શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:11 IST)

સરકારની ગુલબાંગો વચ્ચે રોજગારીનું વરવું ચિત્ર, 12000 જગ્યાઓ સામે 38 લાખ અરજી આવી

ગુજરાતમાં  બુધવારના રોજ કેબિનેટની યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે ત્રીજા વર્ગની 12000 જેટલી ખાલી જગ્યાઓ માટે ગુજરાતમાંથી 38 લાખ અરજી મળ્યાના આંકડા રજૂ કર્યા હતા. એમાંથી પણ 19 લાખ અરજી એટલે કે અડધો અડધ અરજી તલાટીની 1800 પોસ્ટ માટે મળી છે. બાકીની અરજી કરવાની છેલ્લી તારીખ બાકી હોવાથી 38 લાખનો આંકડો જ હજુ સામે આવ્યો છે.
એક અહેવાલ પ્રમાણે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ આંકડા અંગે એવો તર્ક વ્યક્ત કર્યો છે કે આંકડા અને રાજ્યમાં વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન પણ હોઈ શકે, કારણ કે ઘણી વખત લોકો સારી તકની શોધમાં નોકરી હોવા છતાં બીજી નોકરી માટે અરજી કરતા હોય છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ આંકડાને લઈને રાજ્યમાં બેકારીઓ ભરડો લીધો હોવાનો તર્ક રજૂ કર્યો હતો.
જે રીતે અરજીઓ મળી રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે તલાટીની નોકરી બધા ઉમેદવાર માટે ‘સપનાની નોકરી’ છે. અહીં એક પોસ્ટ પર આશરે 1,055 અરજી મળી છે. કારણ કે સૌથી વધારે અરજી આ પોસ્ટ માટે જ મળી છે. જોકે, આ વખતે ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 પોસ્ટ માટે 4,84,000 અરજી મળી છે, એટલે કે એક પોસ્ટ પર આશરે 1,449 ઉમેદવારે અરજી કરી છે.
આંકડાઓ પરથી એવું પણ તારણ કાઢી શકાય કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોમાં ઉત્સાહ ઘટી રહ્યો છે. કારણ કે 9,713 પોસ્ટ સામે ફક્ત 8,76000 અરજીઓ મળી છે. એટલે કે એક પોસ્ટ માટે ફક્ત 90 ઉમેદવારે અરજી કરી છે. અગાઉ આ રેશિયો ખૂબ જ વધારે રહેતો હતો.