શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2017 (13:31 IST)

અમિત શાહના પુત્ર જય શાહને 100 કરોડના બદનક્ષી કેસમાં હાઈકોર્ટેની નોટીસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ધી વાયર ન્યૂઝ પોર્ટલ સામે કરેલા 100 કરોડના બદનક્ષીના દાવામાં નીચલી અદાલતે આપેલા મનાઇહુકમને રદ કરવાની માંગ સાથે ધી વાયર અને રોહિણી સિંહે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ કેસમાં વાયર તરફથી સીનિયર એડવોકેટ દુષ્યંત દવેએ ટ્રાયલ કોર્ટનો હુકમ એકપક્ષીય હોવાથી તેને રદબાતલ કરવાની માગ કરી હતી. દલીલોના અંતે હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જય શાહ અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ મુકરર કરી છે.

અત્યંત ચર્ચાસ્પદ આ કેસમાં ધી વાયર તથા લેખ લખનાર પત્રકાર રોહિણી સિંહ દ્વારા બે પિટિશન કરવામાં આવી છે. જેમાં અરજદારો તરફથી એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,ટ્રાયલ કોર્ટનો હુકમ એકપક્ષીય છે અને કાયદાની દૃષ્ટિએ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના અનુસંધાને પણ ભૂલભરેલો હોઇ તેને રદ કરવો જોઇએ. ટ્રાયલ કોર્ટના જજ કેસના ગુણદોષમાં ગયા નથી. તેમણે જય શાહ દ્વારા કરાયેલા આક્ષેપો કે કેસના તથ્યોને ચકાસ્યા વિના આદેશ કર્યો છે. પાર્ટીને એકપક્ષીય ઓર્ડર મળી જતો હોય છે તેના પછી આવા કેસોમાં મુદતો જ પડતી હોય છે અને બીજા પક્ષને કાયદાકીય રીતે અન્યાય થાય છે. ગુરુવારે હાઇકોર્ટમાં આ કેસ સાંભળવાની વિશેષ મંજૂરી લેવાયા બાદ બપોરે અઢી વાગ્યે તેની સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન એડવોકેટ દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે,આ કેસમાં બદનક્ષીનો કોઇ મુદ્દો બનતો જ નથી અને ટ્રાયલ કોર્ટે એકપક્ષીય આદેશ કરીને ભૂલ કરી હોવાથી અમારી અરજી ટકવાને પાત્ર છે. ધી વાયરમાં લેખ પ્રકાશિત કરતાં પહેલા સંબંધિત મુદ્દે જય શાહની સ્પષ્ટતા મંગાવવામાં આવી હતી અને તેને પણ લેખમાં અને તેની લિન્કમાં જોડવામાં આવી હતી. જે દર્શાવે છે કે રિપોર્ટિંગ સંપૂર્ણપણે નિષ્પક્ષ હતું.