બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જૂન 2020 (19:11 IST)

સૌરાષ્ટ્રના બંદરો પર 2 નં.સિગ્નલ, તલાલામાં કેરીના હજારો બોક્સ પલળી ગયાં

તાલાલાગીર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાથી તાલાલા માર્કેટ યાર્ડમાં આજે 25 હજાર કેસર કેરીના બોક્સ પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. તેમજ ઉનાળુ પાક તલ, મગ, અડદને પણ ભારે નુકસાન થયું છે. ગડુ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દોઢ કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ગીરમાં પણ એક વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે. આથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ દરિયાકાંઠે વરસી રહ્યો છે. જાફરાબાદ લાઇટ હાઉસ પર 1 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે વેરાવળમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.  ગીર પંથકમાં હજુ 30 ટકાથી વધુ કેરીનો પાક આંબાઓ પર છે. ગત 10 મેથી યાર્ડ શરૂ થયાના 23 દિવસમાં 4 લાખ 90 હજાર બોક્સનું વેચાણ થઇ ચૂક્યું છે. આગામી 15 જુન સુધીમાં વધુ બે લાખ બોક્સ આવવાની સંભાવના હતી. પરંતુ અચાનક વરસાદ સાથે પવન ફૂંકાતા કેરીઓ આંબા ઉપરથી ખરી પડતા કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજકોટ શહેરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.