શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (10:10 IST)

આ મહિનામાં લેવાઇ શકે છે ધોરણ 12 બોર્ડની પરીક્ષા, કંઇક આવી હોઇ શકે છે પદ્ધતિ

કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન વિભાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી સાથે રવિવારે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વીડિયો કોન્ફરન્સમાં ધો. 12ની પરીક્ષા ઓફલાઇન લેવા માટે કેટલા રાજ્યો તૈયાર છે તે અંગે વિગતવાર મંતવ્યો જાણી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
 
હાલ તો CBSE બોર્ડ દ્વારા તમામ રાજ્ય બોર્ડ પર નિર્ણય છોડવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ ભાગ લીધો હતો. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધો. 12 સાયન્સ-સામાન્ય પ્રવાહની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીડિયો કોન્ફરન્સમાં ધોરણ 12ની પરીક્ષા બાબતેના વિવિધ સૂચનો વ્યક્ત કર્યાં હતાં અને કેન્દ્ર સરકારના સૂચનો પણ આવકાર્યાં હતાં.
 
આ બેઠકમાં ધોરણ 12 ની પરીક્ષા લેવા સંદર્ભે બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. વિકલ્પ એકમાં ત્રણ કલાકની પરીક્ષા અને વર્ણાત્મક રીતે જે પદ્ધતિ દ્વારા લેવાય છે તે પદ્ધતિ દ્વારા અથવા તો બીજા વિકલ્પમાં ૯૦ મિનીટની અંદર બહુ હેતુ વિકલ્પ અને ટૂંકા જવાબોને આધારે પરીક્ષા લેવામાં આવશે. 
 
આ બંને વિકલ્પોમાંથી એક વિકલ્પ અંતર્ગત ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ વિડીયો કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ માટે ધોરણ12ની પરીક્ષા મહત્વની હોવા છતાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા યોજવા અંગે પોતાના સુચનો કર્યા હતા. 
 
સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે પહેલી જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં સીબીએસઈ કઈ પદ્ધતિથી પરીક્ષા લેશે તે નક્કી થયા પછી કઈ પદ્ધતિથી ગુજરાત સરકારે પરીક્ષા લેવી તે નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી છે કે, પરીક્ષા લેતા પહેલાં વિદ્યાર્થીઓને તૈયારી માટેનો 15 દિવસનો સમય આપવામાં આવશે.
 
અત્રે  ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડ દ્વારા 1 જૂનની આસપાસ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે બીજી તરફ રાજ્ય બોર્ડનો નિર્ણય રાજ્યોએ પોતાના રાજ્યની સ્થિતિ અનુસાર લેવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જેથી મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પરીક્ષા લેવી કે માસ પ્રમોશન લેવું તે અંગે નિર્ણય થશે. જો પરીક્ષા લેવાશે તો તે ઉપરોક્ત બે પદ્ધતી અનુસાર લેવાય તેવી શક્યતા છે