મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (16:08 IST)

ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ વ્યક્તિઓએ ચાલુ કોર્ટે જજની સામે જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

gujarat court
પોલીસે ત્રણેય સામે ફરિયાદ દાખલ કરી, આત્મવિલોપન કરનારા ત્રણેયને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા
 
હાઈકોર્ટે છેતરપિંડી આચરનારા ત્રણ આરોપીઓને જામીન આપતાં ફરિયાદી પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી
 
અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ હાઈકોર્ટમાં ચાલુ કોર્ટે જજની સામે જ ત્રણ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાઈકોર્ટે આરોપીઓને જામીન આપતાં જ ત્રણ જણાએ ફિનાઈલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનો પ્રયાસ કર્યો હતો. 
 
જજની સામે જ આત્મવિલોપનનો પ્રયાસ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ નિર્જર દેસાઈની કોર્ટમાં લોન અંગેની છેતરપિંડીના કેસની સુનાવણી ચાલતી હતી. ત્રણ જણાએ મર્ચન્ટ કો.ઓ. બેંકમાંથી લોન લઈને છેતરપિંડી આચરી હોવાનો કેસ હતો. આ કેસમાં હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને જામીન આપતાં ફરિયાદી પક્ષના ત્રણ લોકોએ ચાલુ કોર્ટમાં જજ અને સંખ્યાબંધ વકીલોની સામે જ ફિનાઈલ પીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. 
 
કોર્ટમાં નારાજ થઈને ફિનાઈલ પી લીધું 
મર્ચન્ટ કો.ઓ. બેંકમાંથી લોન લઈને છેતરપિંડી આચરવાનો કેસ ચાલી રહ્યો છે. જેમાં આરોપીઓને જામીન મળતાં નિકોલના દંપતિ, ઘાટલોડિયાના હાર્દિકભાઈ અને ચાંદખેડાના વ્યક્તિએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટમાં નારાજ થઈને ફિનાઈલ પી લીધું હતું. આ ઘટના બાદ પોલીસે કોર્ટ પહોંચીને ત્રણેય જણાને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડ્યાં હતાં. જ્યાં ત્રણેય ગંભીર હાલતમાં નહીં હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.