શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 નવેમ્બર 2020 (10:21 IST)

અહેમદ પટેલે ધાર્યું હોત તો પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ પણ બની શક્યા હોત પણ

ગુજરાતનાં રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દુઃખદ નિધન પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દુઃખ વ્યક્ત કરતા શોક પ્રકટ કર્યો છે. શંકરસિંહ વાઘેલા એ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે અહેમદ પટેલ 42 વર્ષથી તેમના મિત્ર રહ્યા છે ત્યારે સ્વાભાવિક પણે તેમની ખોટ તેમને ખટકશે અને ના ફક્ત કોંગ્રેસ પાર્ટીને પરંતુ દેશની તમામ પાર્ટીઓને અને જાહેર જીવનમાં રહેનાર તમામ લોકોને તેમની ખોટ ખટકશે. અહેમદભાઈના નિધન થી દેશ એ એક સારા અને અનુભવી નેતા ગુમાવ્યા છે. શંકરસિંહ બાપુ એ જૂની યાદો વાગોળતા જણાવ્યુ હતું કે જ્યારે તેઓ ભાજપમાં હતા ત્યારે પણ અહેમદભાઈ સાથે તેમના સારા સંબંધો હતા અને અંકલેશ્વર-ભરૂચ જતા તો તેમના ઘરે જ ભોજન કરતા. 
 
વધુમાં શંકરસિંહ બાપુ એ જણાવ્યુ હતું કે અહેમદભાઈ જાહેર જીવનમાં હોવા છતાં સત્તા થી વિમુખ રહ્યા હતા. ધાર્યું હોત તો પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ પણ બની શક્યા હોત પણ તેઓએ તેમની આખી જિંદગી કોંગ્રેસ પાછળ લગાવી દીધી. કોંગ્રેસની તમામ સમસ્યાઓનું સમાધાન લાવનાર અને પાર્ટીને એક રાખી સંગઠન ને મજબૂત કરવા સતત પ્રયત્ન કરનાર અહેમદભાઈ કોંગ્રેસના સાચા સૈનિક હતા. 
 
અહેમદ પટેલ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી માટે હંમેશા સાથે રહેતા હતા અને પાર્ટીને પાટે ચડાવવા માટે લો પ્રોફાઇલ રહીને સતત કામ કરતા રહ્યા અને લોકોના એક ફોન માત્ર થી તમામ મદદ પહોંચાડનાર અહેમદભાઇ સેવાકીય પ્રવૃતિમાં પણ મોખરે હતા. અહેમદભાઈ જેવુ વ્યક્તિત્વ જાહેર જીવનમાં બહુ ઓછું હોઈ છે.