બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (12:00 IST)

સોમનાથમાં નિયમો નેવે મુકાયા, પોલીસે ભક્તો પર લાઠી ઉગામી, અન્ય મંદિરો બંધ તો સોમનાથ કેમ ચાલું?

આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોવિડની ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા હતા. મંદિર પરિસરમાં ધક્કામુક્કી અને ટોળાશાહીના દ્રશ્યો સામે આવ્યાં હતા. પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે મારામારીની ઘટના બની હતી. સવાલ એ થાય છે કે ડાકોર, કુબેરભંડારી સહિતના મંદિરો બંધ રાખવામાં આવ્યાં છે તો પછી સોમનાથ મંદિર કેમ ખુલ્લુ રાખવામાં આવ્યું છે? સોમનાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતા પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભક્તો પર છૂટા હાથે મારામારી કરી હતી. તો રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને પણ તમાચો મારી દીધો હતો. જેને લઈને પરિસ્થિતિ ઉગ્ર બની હતી. મંદિરમાં વ્યવસ્થાના અભાવના કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટના અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. સોમનાથ મંદિરમા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભક્તોએ માસ્ક પણ નથી પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે કોરોના સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ?