અમદાવાદમાં ઠક્કરબાપાનગરની રઘુવિર સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ ભાળ મળી નથી
અમદાવાદમાં સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. શહેરમાં ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીની 24 કલાક બાદ પણ હજી સુધી ભાળ નહીં મળતાં વાલીઓમાં ચિંતા સળવળી છે. સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થી ગુમ થયા અંગે કોઈ યોગ્ય જવાબ નહીં આપતાં વાલીઓમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાંથી ગઈ કાલે એક વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. વિદ્યાર્થી સ્કૂલમાંથી ભાગી રહ્યો હોવાના cctv ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં દેખાઈ રહ્યું છે કે તે સ્કૂલના મુખ્ય દરવાજામાંથી ભાગી રહ્યો છે. તે જ્યારે ભાગે છે તે પહેલાં મુખ્ય દરવાજાના બાંકડા પર પણ બેઠો હતો. તેનાથી થોડેક દુર બીજા વિદ્યાર્થીઓ પણ દેખાઈ રહ્યાં છે. વિદ્યાર્થી ગુમ થયા બાદ 24 કલાક સુધી તેની ભાળ નહીં મળતાં વાલીઓમાં ચિંતા જોવા મળી છે. તેના માતા પિતાનું કહેવું છે કે, અમારુ બાળક ગઈકાલથી ગુમ છે પરંતુ સ્કૂલનું તંત્ર આ અંગે યોગ્ય જવાબ આપતું નથી. અમે ગઈકાલથી તેની શોધખોળ કરી રહ્યાં છીએ હજી સુધી તેની કોઈ માહિતી મળી નથી.
હવે પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યાં છીએ. ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાંથી ધોરણ 9માં ભણતો માનવ સવારે 9:25 વાગ્યે અચાનક જ સ્કૂલ બહાર જતો રહ્યો હતો છે. આ અંગે તેના પરિવારને જાણ થતાં જ તેઓ સ્કૂલમાં આવી જાય છે. તેમણે સ્કૂલમાં હોબાળો મચાવ્યો કે શા માટે હજી સુધી માનવ મળ્યો નથી. ગઈકાલે ગુમ થયેલો માનવ આજે પણ ના મળતાં તેનાં માતા-પિતા ફરીથી સ્કૂલે પહોંચ્યાં હતાં અને હોબાળો કર્યો હતો. માનવનાં માતા-પિતાનો આક્ષેપ કર્યો છે કે સ્કૂલની બેદારકારીને કારણે જ અમારો માનવ ગુમ થયો છે અને સ્કૂલ દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.