1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (12:28 IST)

ધો.10ની માર્કશીટ આપ્યા પહેલા ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડિપ્લોમા પ્રવેશ કમિટીએ આ અંગે વિવિધ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના પ્રિન્સિપાલને પત્ર લખતા આ સમગ્ર બાબત બહાર આવી છે.

રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આશરે આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આ માસ પ્રમોશનમાં આવરી લેવામાં આવ્યા છે. જો કે આ વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત અંતર્ગત માર્કશીટ અપાશે કે કેમ ? તેમજ પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. બીજી તરફ એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) તરફથી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો 10મી જૂનથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંચાલકો ભારે અવઢવભરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. આ અંગે સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી કોલેજ સંચાલક મંડળના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે,‘ ધોરણ 10માં માસ પ્રમોશન તો વિદ્યાર્થીઓને મળી ગયુ છે, પરંતુ તેમના પરિણામની કેવી રીતે જાહેરાત થશે ? તે સહિતની વિગતોની સત્તાવાર રીતે જાહેરાત થઈ જ નથી. જેના કારણે હાલમાં અસ્પષ્ટ ચિત્ર છે. પરિણામે કોલેજ મેનેજમેન્ટ તો ઠીક વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અસંમજસમાં છે.’ બીજી તરફ ડિપ્લોમા ઈજનેરી પ્રવેશ કમિટી (એસીપીડીસી)ના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયરને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે,‘ડિપ્લોમા ઈજનેરીની પ્રવેશ કાર્યવાહી સમયસર પૂર્ણ થાય અને તેમાં જરાપણ વિલંબ ના થાય તે હેતુસર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 10માં માસ પ્રમોશન મેળવનારાવિદ્યાર્થીઓએ હાલની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત નામ, કોન્ટેક્ટ, ડિટેઈલ સહિતની વિગતો ભરવી પડશે.’