ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2024 (15:43 IST)

દરિયા કિનારે સ્ટંટબાજી ભારે પડી, કાર તણાવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

Stunts on the beach became heavy
ભુજ- 24 જૂન 2024, ઘણીવાર બીચ બાર મોંઘીદાટ કાર લઈને નબીરાઓ સ્ટંટ કરવા માટે નીકળી પડતાં હોય છે. કેટલાક નબીરાઓ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા જીવના જોખમે સ્ટંટબાજી કરી પોતાનું અને આસપાસના લોકોનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે. તેવોજ એક બનાવ મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક રંઘ બંદરે બન્યો હતો, જેમાં ગાંધીધામના બે શખ્સોની થાર ગાડી દરિયાની ભરતીમાં ફસાઈ ગઈ હતી. જેનો વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધ્યો છે.
 
ટ્રેક્ટરની મદદથી બન્ને કારને પાણીમાંથી બહાર કાઢી
ગાંધીધામના પરેશ અનિલ કાતરીયા અને કરણ મહેશ સોરઠીયા પોતાની લાલ અને સફેદ કલરની થાર ગાડી લઇ ભદ્રેશ્વરના રંધ બંદરે આવ્યા હતા. જ્યાં સ્ટંટબાજી કરતા સમયે ગાડી કાદવમાં ફસાઈ હતી અને દરિયામાં ભરતી આવતાની સાથે જ બન્ને કાર બોટની જેમ હિલોળા લેતી થઇ હતી. ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી બન્ને કારને પાણીમાંથી બહાર કાઢી હતી.
 
પોલીસે સ્ટંટ બાજી કરનાર આરોપી પરેશને ઝડપી લીધો
લગભગ મામલો સમેટાઈ ગયો હતો પરંતુ ભદ્રેશ્વર ગામના નિઝામ ત્રાયા નામના વ્યક્તિએ એ સમયનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં બન્ને થાર ગાડી દરિયાના પાણીમાં તરતી દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસ સુધી થઇ હતી. જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે સ્ટંટ બાજી કરનાર આરોપી પરેશને ઝડપી લીધો હતો. જયારે અન્ય આરોપી કરણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.