શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2017 (13:35 IST)

સુરતમાં કાપડના વેપારીઓની જંગી રેલી,કાળી પટ્ટીઓ બાંધી GSTનો વિરોધ કર્યો

ગત સપ્તાહે સુરતમાં GSTનો વિરોધ કરી રહેલા કાપડના વેપારીઓ પર પોલીસ દમન થયું હોવાને લીધે હવે શહેરમાં ટેક્સટાઇલ યંગ બ્રિગેડની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વેપારીઓ માથે કાળી પટ્ટી, ગળામાં કાળો સ્કાર્ફ અને હાથે કાળી પટ્ટી બાંધી માર્કેટ વિસ્તારમાં રેલી શરૂ કરી છે. જેમાં મોટી સંખ્યામાં કાપડ વેપારીઓ જોડાયા છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે.

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની દિલ્હી અને ગાંધીનગર વારંવાર કરાયેલા રજૂઆતો મુજબ, યાર્ન પર વન ટાઇમ ટેક્સનો અમલ શરૂ કરી વર્ષમાં બે વાર રીટર્નની સરળતાની માગ કરાઈ હતી. તેમ છતાં વેપારીઓની એકપણ માગણી સરકારે કાને ન ધરી હતી. આવા સંજોગોમાં વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. માર્કેટમાં છેલ્લા બે અઠવાડિયાથી જીએસટી હટાવો આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન ધીરે-ધીરે વધુ વેગવંતુ બન્યું છે. જેમાં પોલીસે કરેલા લાઠીચાર્જે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે કાપડ વેપારીઓ કોઈપણ સંજોગોમાં પાછી પાની કરવા તૈયાર નથી.

વેપારીઓનો હળહળતો રોષ આજે રેલીરૂપે બહાર આવ્યો છે. આ રેલીમાં લેસ ધુપિયનના વેપાર સાથે સંકળાયેલી હજારો મહિલાઓ-પુરૂષો પણ જોડાયા છે. આ સિવાય વેપારીઓનો સ્ટાફ, પુંઠા કાપવાવાળા, પેકિંગવાળા તથા ટેમ્પો ટ્રેક એસો. અને ટ્રેડ કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા છે.