1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 માર્ચ 2018 (13:03 IST)

Swachh Bharat - ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના કારણે સાબરમતીનું પાણી ઝેરી બની રહ્યું છે - વિધાનસભામાં સરકાર

સોમવારે વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યું કે ‘અમદાવાદની આસપાસ આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાંથી છોડવામાં આવતા ગંદા પાણીના કારણે સાબરમતીનું પાણી ઝેરી બની રહ્યું છે. આ અંગે તેમને ઘણી ફરિયાદો પણ મળી છે.   સરકારે વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નનો લેખીત જવાબ આપતા આ જણાવ્યું હતું. સરકારે કહ્યું કે, ‘અમદાવાદની ફરતે આવેલ ઇન્ડસ્ટ્રિયલ એરિયા વટવા, ઓઢવ, નરોડા, નારોલમાં આવેલ ફેક્ટરી યુનિટ્સ દ્વારા તેના કેમિકલ વેસ્ટ સાથેના પાણી સ્વચ્છ કર્યા વગર જ સાબરમતીમાં છોડવામાં આવે છે.

જ્યારે સરકારે આ ગંદા પાણીને સ્વચ્છ કરવા માટે ખાસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પિરાણા ખાતે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના અધિકારીઓએ કહ્યું કે, ‘પિરાણા ખાતે શરુ કરાયેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા પાણીમાં પણ ટ્રીટમેન્ટ કરાયા વગરના કેમિકલ વેસ્ટના નમૂના મળ્યા છે.  અધીકારીઓ દ્વારા જણાવાયું કે, ઇન્ડસ્ટ્રીયલ કમિશ્નરની આગેવાનીમાં ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન્સના ડિરેક્ટર્સ, GIDC, સિંચાઇ વિભાગ અને કોર્પોરેશન આ તમામ સભ્યોનું અમદાવાદ મેગા ક્લીન એસોસિએશન બનાવાયું છે જેના રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ નિકાલ માટે રાખવામાં આવેલ પાઇપની યોગ્ય જાળવણી ન થતી હોવાથી શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના લોકોને હાલાકી ભોગવવી પડે છે. પૂર્વ અમદવાદના રહેવાસીઓ આ કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ચોમાસામાં તો સ્થિતિ પારવાર મુસીબત ઉભી કરે છે.