ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 જુલાઈ 2021 (14:24 IST)

સ્વીટી પટેલ કેસઃ PI ની અટકાયત- PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા, સ્વીટી પટેલનું લોહી છે કે કેમ એ દિશામાં તપાસ થશે

એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. હજી સુધી આ કેસમાં કોઈ ખાસ કડી મળી નથી તેમજ સ્વીટીની કોઈ ભાળ મળી નથી. વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ આજે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા.
 
ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રહસ્યમય ગુમ પી.આઇ. એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલની તપાસ કરનાર જિલ્લા પોલીસ ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનની બાથરૂમમાંથી લોહીના ડાઘા કેમ ન મળ્યા. જે જિલ્લા પોલીસની તપાસ સામે શંકા ઊપજાવે છે. પી.આઇ. એ.એ. દેસાઈએ ગુરુવારે નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. એ બાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમે ચકચારી સ્વીટી પટેલ પ્રકરણ પરથી પડદો ઊંચકવા બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં આજે પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે. હવે આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો છે. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા છે. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી. ચૂડાસમાને સોંપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.