સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (09:31 IST)

13 કરોડના ખર્ચે બનેલો રાજપીપળા અને રામગઢને જોડતો બ્રિજ વર્ષમાં જ તૂટ્યો, 10 ગામ સંપર્ક વિહોણા

rajpipla
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ પુલ બન્યા પછી પુલનું લોકાર્પણ ન થતાં આમ જનતાએ લોકાર્પણ વગર જ અવરજવર શરૂ કરી દીધી હતી. આ પુલનું બાંધકામ તકલાદી હોવાનું ત્યારે ખબર પડી જયારે આ પુલ ગયા વર્ષે વચ્ચેથી બેસી ગયો અને પુલને બંધ કરવામાં આવ્યો ત્યારે પુલના તકલાદી કામની પોલ ખુલી છે. પુલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા છે.

નર્મદા જિલ્લામાં બે વર્ષ પહેલા રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલને એક જ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો હતો. બે વર્ષના ટૂંકા ગાળામાં બબ્બે વાર આ પૂલ વચ્ચેથી બેસી ગયો હતો. તેના પિલ્લરને પણ ગયા વર્ષે ભારે નુકસાન થયું હતું. જેને કારણે ગયા વર્ષે આ પુલને બંધ કરી દેવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. ત્યાર પછી થોડું સમારકામ કરીને ફરી પાછો આ પૂલ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ આ વર્ષે ભારે વરસાદમાં આ પુલની ફરી એકવાર તે જ જગ્યાએ થી પુલ બેસી ગયો. પણ આ વર્ષે ભારે વરસાદમાં પુલ ને જોડતા રસ્તા ઉપર 20 ફુટ ઊંડું મસમોટું ગાબડુ પડી ગયું. અને 8 થી 10 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

ચોમાસામાં ભારે વરસાદે આ પુલના તકલાદી બાંધકામની ફરી એકવાર પોલ ખોલી નાખી છે. વારંવાર આ પુલના તકલાદી બાંધકામની તપાસની અને કોન્ટ્રાક્ટરો, એજન્સી સામે પગલાં લેવાની માંગ થઈ હોવા છતાં આ પ્રકરણમાં ભીનું સંકેલાયું હોય તેમ કોઈ જ પગલા લેવાયા નથી. કોન્ટ્રાકટર પર મીઠી નજરના કારણે 10 ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જેનું લોકોમાં આશ્ચર્ય છે. તંત્રના કારણે આજે આમ જનતાને સહન કરવાનો વારો આવ્યો છે. આ પુલમાં ગાબડું પડતા રામગઢ થી રાજપીપળા આવતા જતા 400 થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. ભર ચોમાસે જ આઠ થી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા જવું પડે છે. જનતાનો સમય અને નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે. 172 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 13 કરોડના ખર્ચે  તૈયાર કરવામાં આવ્યો હતો. 2 વર્ષમાં જનતાના 13 કરોડ પુલ સાથે જાણો ધોવાઈ ગયા અને કોન્ટ્રાક્ટરે પોતાનું ઘર ભરી લીધું. જનતાની સમસ્યા ઘટવાના બદલે વધી છે.