ધોરણ 9થી11 માટે ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા લેવાશે નિર્ણય, શાળા સંચાલક મહામંડળ મેદાને
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે રાજ્ય અનલોક તરફ જઇ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે કોર કમિટીમાં સોમવારે ચર્ચા થઇ શકે છે.
રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજોમાં જ શૈક્ષણિક કાર્ય આપવાનું 15 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે ઓનલાઇન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પણ શિક્ષણ કાર્ય ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર ધો.9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી કોઇ નિર્ણય લઇ શકે છે.
સરકાર દ્વારા જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર સહિત કોવિડની એસઓપીના પાલન સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે. આથી હવે ધો.9થી 11ની શાળા ચાલુ કરવા માટે ચાલુ સપ્તાહે નિર્ણય કરાય તેવી શક્યતા છે.
આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી અને જે બાબતોને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરેલ હતી.
કોરોનાની મહામારી હવે કાબુમાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય “બે-કાબુ” બની રહ્યું છે. આ પ્રશ્નને લઈને રાજકોટ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. ઓન-લાઈન શિક્ષણમાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને સરખી રીતે ભણાવી નથી શકતા. ક્યારેક ઈન્ટરનેટ તો ક્યારેક મોબાઈલ ફોનના લીધે ” ઈ – એજ્યુકેશનમાં ” ખુબ તકલીફો આવી રહી છે. આ પ્રશ્નોના સરકાર કોઈ ઉતર નહિ આપે, તો શાળા સંચાલકો ધરણા કરશે, આંદોલન કરશે.