બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (16:33 IST)

રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણી સૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ, જતન, સંવર્ધનથી આપણે વધુ સુદ્રઢ બનાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતમાં વન વિરાસત, વન્ય પ્રાણીસૃષ્ટિ, દરિયાઇ જીવસૃષ્ટિ સૌની લાક્ષણિકતા ટકાવીને વિકાસ-સંવર્ધન થાય તેવી આપણી નેમ છે.
 મુખ્યમંત્રીએ વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ગાંધીજયંતિ તા. ર ઓકટોબરથી એક સપ્તાહ એટલે કે તા.૮ ઓકટોબર સુધી ઉજવાતા રાજ્યવ્યાપી વન્યપ્રાણી સપ્તાહનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને સમાપન કરાવ્યું હતું. 
 
રાજ્યના વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહજી રાણા જામનગરથી તેમજ રાજ્યભરના પ૮૩ સ્થળોએથી જન પ્રતિનિધિઓ,પદાધિકારીઓ તેમજ વનપ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વન કર્મીઓ-અધિકારીઓ અને વિદ્યાર્થીઓ “બાયસેગ” સેટ કોમ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા.મુખ્યમંત્રીએ ર૩ અભ્યારણ્યો અને ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો તેમજ એશિયાટિક લાયનની આગવી મિરાત ધરાવતા ગુજરાતમાં વન્યજીવોના રક્ષણ માટે વન સાથે જન જોડીને ગુજરાતે સફળ આયામો પાર પાડયા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના વન વિભાગે વન્યજીવોની ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવા માટે ટેકનોલોજીનો સઘન ઉપયોગ કર્યો છે, રેડિયો કોલર સિસ્ટમ, ટ્રેકિંગ ડિવાઇસ અને જી.પી.એસ સાથેની વાહન સુવિધા, ઘાયલ વન્યજીવની સારવાર માટે રેસ્કયુ સેન્ટર અને એનિમલ કેર એમ્બ્યુલન્સ જેવી ટેકનોલોજીયુકત સુવિધા સરકારે વિકસાવી છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, દેશના ગૌરવ ગિરના સાવજની વસ્તી આજે ૬૭૪ જેટલી થઇ ગઇ છે. ર૦૧પની તુલનાએ ર૦ર૦માં સિંહની વસ્તીમાં ૨૮.૮૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 
 
જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓને કારણે ઘણીવાર અકસ્માતે વન્ય પ્રાણીઓ અકાળે મોતને ભેટતા હોય છે ત્યારે સરકારે ગિર જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓની પેરાપીટ બાંધકામ માટે ૧૬ કરોડ રૂપિયાનો પાંચ વર્ષમાં ખર્ચ કર્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત પાસે જે વન્ય પ્રાણીસૃષ્ટિનું વૈવિધ્ય છે તે જળવાઇ રહે અને તેનું સંવર્ધન રક્ષણ થાય તે માટે પણ સરકારે હાથ ધરેલા નવતર અભિગમની વિશેષતા તેમણે વર્ણવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વેળાવદર કાળિયાર નેશનલ પાર્કમાં લેસર ફલોરિકન બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ક્રિટીકલી એન્ડેજર્ડ કેટેગરીમાં હોય તેવાં પક્ષીઓના સાયન્ટીફિક ડેટા મળી રહે તે હેતુથી ટેગિંગ સિસ્ટમ વિકસાવી છે.
એટલું જ નહિ, વન્ય પ્રાણીને લગતા પ્રશ્નો કે પ્રજાજનોની જરૂરિયાતના સમયે સહાયતા મદદ માટે 24×7 ઓટોમેટિક રિસ્પોન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે. આ માટેના ફોન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર કોઇ પણ વ્યક્તિ માત્ર એક એસ.એમ.એસ કે વોટ્સઅપ કરીને પોતાના વિસ્તારની નજીકના વન અધિકારી કે કર્મીની સંપર્ક વિગતો અને મદદ મેળવી શકે છે તેમ તેમણે ઉમેર્યુ હતું
 
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્નેક (સાપ)ના રેસ્કયુ ઓપરેશન માટે વોલિન્ટીયર્સ અને એન.જી.ઓ ને પદ્ધતિસરની તાલીમ, માર્ગદર્શિકા અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ઇન્સ્ટીટયુશનલાઇઝડ સ્વરૂપ સરકારે આપ્યું છે તેમ પણ જણાવ્યું હતું ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, લેપર્ડ-દિપડાના રેસ્કયુ અને રિહેબીલીટેશનની યોગ્ય વ્યવસ્થા વિકસાવવા આ વર્ષ દરમ્યાન રાજ્યમાં બે મેગા રેસ્કયુ કમ રિહેબીલીટેશન સેન્ટર બનાવવાનું પણ વન વિભાગે આયોજન કર્યુ છે.
તેમણે વન્ય જીવસૃષ્ટિના સન્માન સાથે સંરક્ષણ-જતન સંવર્ધનનો ભાવ જન-જનમાં ઊજાગર કરવામાં વન્યપ્રાણી સપ્તાહ એક મજબૂત સંવાહક પ્લેટફોર્મ બન્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી અને થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં ર૦૦૦થી ર૦ર૦ બે દાયકા દરમ્યાન પક્ષીઓમાં થયેલી માતબર વૃદ્ધિના સંકલિત વિવરણ “પોપ્યુલેશન એસ્ટીમેશન” પ્રકાશનનું વિમોચન પણ આ વેળાએ કર્યુ હતું.
વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ વન્ય જીવસૃષ્ટિના જાળવણીમાં જનસહયોગ પ્રેરિત કરવાનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે તેની ફલશ્રુતિએ વન્યજીવોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. તેમણે વન વિભાગે આ સપ્તાહ દરમ્યાન હાથ ધરેલા જનજાગૃતિ કાર્યો, ચિત્રસ્પર્ધા, પરિસંવાદ, વાર્તાલાપ વગેરેની પ્રસંશા કરી હતી.
વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં આ સપ્તાહની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. અગ્ર મુખ્ય વનસંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. દિનેશકુમાર શર્માએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. આ અવસરે ગાંધીનગરથી મુખ્યમંત્રી સાથે વન્ય પ્રાણીસૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ટિકાદર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્ય પ્રાણીસૃષ્ટિ) એસ.કે. શ્રીવાસ્તવ, અધિક સચિવ પંડિત વગેરે પણ જોડાયા હતા