મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (15:35 IST)

પ્રિયંકા ગાંધી મે મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતાઓ, કોંગ્રેસના મહિલા સંમેલનને સંબોધશે

ગુજરાતના પ્રદેશ નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચાઓ કરશે
ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા યોજશે
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે જોરશોરથી પ્રચાર આરંભી દીધો છે. કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતના પ્રવાસો કરવા માંડ્યાં છે. ત્યારે કોંગ્રેસમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. રાજ્યના ચાર ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યાં છે.
 
આણંદ અને ખેડા જિલ્લાની મહિલાઓનું સંમેલન યોજાશે
કોંગ્રેસના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આગામી સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે. 
 
પ્રિયંકા ગાંધી પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. સૂત્રો કહે છે કે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે. ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.
 
ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી હોવાની શક્યતાઓ
2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી હોય તેવી શક્યતાઓ છે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે.પ્રશાંત કિશારે ગુજરાત વિધાનસભા 2012 ગુજરાત ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું. જ્યારથી તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી. ભાજપનો 282 બેઠક પર વિજય થયો હતો.
 
ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલદી નિર્ણય લેવામાં આવે એ અંગે પણ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.