શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (13:48 IST)

નાગના મોત બાદ નાગણે કાકી ભત્રીજીને દંશ મારી બદલો લીધો: માત્ર ચાર કલાકમાં બન્નેના મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ દેવકરણના મુવાડા ગ્રામ પંચાયતના પેટાપરા ગલાજીની મુવાડી ગામે રહેતા સુરેખાબેન પ્રહલાદજી સોલંકી ઉ.વ.૩૦ ગત રોજ સવારે નિત્યક્રમ મુજબ ઘરમાં ચુલા પર ચા બનાવવા જતા સમયે એકાએક તેમને ઝેરી જનાવર કરડી ગયું હતું. બાદમાં એકત્ર થયેલા સ્થાનિકો તેમને ૧૦૮ ની મદદથી દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં રોકકળના દ્રશ્યો સર્જાય હતા. બીજી બાજુ મૃતક મહિલાના જેઠની સાત વર્ષીય દીકરી અનુબેન રણજીતજી સોલંકીને આંગણામાં રમતી વખતે સવારે દસ વાગ્યેની આસપાસ નાગણ જેવા ઝેરી જનાવરે દંશ દેતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માત્ર ચાર કલાકના અંતરમાં કાકી-ભત્રીજીના મોતથી પરિવારજનોમાં માતમ છવાઇ જવા પામ્યો હતો.

લોકોના કહેવા મુજબ બે દિવસ અગાઉ મૃતકના મકાનની આસપાસ નાગ નીકળતાં લોકોએ મારી નાંખ્યો હતો. તેનો બદલો લેવા માટે નાગણે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. એક પરિવારના બબ્બે વ્યક્તિના મોત અંગે પરિવારના સભ્યનો સંપર્ક કરવામાં આવતાં તેઓએ પણ બે દિવસ પહેલાં નાગને મારવામાં આવ્યો હોવાનું અને તેનો બદલો લેવા નાગણે બન્ને દંશ દીધા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ નાગના મોત બાદ નાગણ બબ્બે વ્યક્તિઓને ભરખી ગઇ હોવાની ઘટનાએ સમગ્ર પંથકના લોકોને હચમચાવી નાંખ્યા છે. એક જ પરિવારના બબ્બે વ્યક્તિઓને ભરખી જનાર નાગણને એકત્ર થયેલા સ્થાનિક લોકોએ મકાન આગળના પગથિયા તોડી શોધી કાઢ્યા બાદ મોતને ઘાત ઉતારી દીધી હતી. હાલના દિવસોમાં પડી રહેલ ભારે ગરમીના કારણે ઝેરી જનાવરો નીકળવાના બનાવો વધી ગયા છે. ત્યારે નાગણે દંશ દેવાથી બે વ્યક્તિઓના મોત બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઝેરી જનાવરો નિકળવાના બનાવોથી ભયભીત બની જવા પામ્યા છે.

ગલાજીની મુવાડી ગામે રહેતા સુરખાબેન સોલંકી અને અનુબેન સોલંકીને દંશ દેનાર નાગણ એટલી ઝેરી હતી કે દંશ દીધાના થોડાક સમયમાં ઝેર  શરીરમાં પ્રસરી જતાં બન્નેની હાલત એકદમ લથડી પડી હતી. પરિવારના સભ્યો ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બન્નેને હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાં બન્નેના કરૃણ મોત નિપજ્યાં હતા. ઝેરી નાગણે દંશ દેતાં મોતને ભેટનાર સુરેખાબેન સોલંકીના પતિ પ્રહલાદજી સોલંકી પણ બિમારીમાં સપડાયાં હોવાથી તેઓનું છ મહિના પહેલાં મોત નિપજ્યું હતું. પ્રહલાદજીના મોત બાદ પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ સંતાનોએ હવે માતાની મમતા પણ ગુમાવતાં પરિવારમાં કરૃણ દ્રશ્યો સર્જાયા હતાં.