ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (18:31 IST)

રાજ્ય સરકાર વાવાઝોડામાં મૃત્યુ પામેલા એક હજારથી વધુ પશુઓને 1.62 કરોડની સહાય ચૂકવશે

Cyclone Biparjoy
વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત નાગરિકોને 1.23 કરોડ જેટલી કેશડોલ્સ ચૂકવાઈ
 
ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. ગુજરાત પર આવેલા બિપોરજોય નામના સંકટ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલી કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.આ ચર્ચાઓની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ, સશસ્ત્ર દળો, જીલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને પ્રજા સહિત સૌના સામૂહિક પ્રયાસોથી ગુજરાતમાં ચક્રવાતના કારણે માનવ મૃત્યુ ઝીરો અને આર્થિક નુકશાન ઘટાડી શક્યા છીએ. 
 
14887 જેટલા ફળપાકોના ઝાડ ધરાશાયી થયા
વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતી પાકો અને બાગાયત પાકોમાં પણ નુકશાન જોવા મળ્યું છે. નુકશાનીના પ્રાથમિક અહેવાલ અનુસાર કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર તથા અન્ય જિલ્લાઓમાં કુલ 82 હજાર હેક્ટર જેટલા બાગાયતી પાકોનો વિસ્તાર છે. જેમાં 53 હજાર હેક્ટર વિસ્તારમાં નુકશાન થયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. જેમાંથી 14887 જેટલા ફળપાકોના ઝાડ ઢળી પડવાનો અંદાજો આવ્યો છે. સ્થિતિનો પૂરે પૂરો અંદાજ મેળવવા માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે.વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું હતું.
 
5753 ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરાઈ
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અત્યાર સુધીમાં 5753 ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરાયો છે. આ ઉપરાંત 66 કેવીના 243 સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો, જેમાંથી 236 સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુસ્થાપિત થઇ ગયો છે. બાકી રહેતા 7 સબસ્ટેશનમાં ત્વરાએ વીજ પુરવઠો ફરી શરુ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. 
 
1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય
પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1 કરોડ 23 લાખ 82હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. વાવાઝોડાની વિપરીત અસરોથી સંભવિત જિલ્લાઓમાં પશુમૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બાકી રહેતા પશુઓને બાંધી ન રાખવા અને છુટ્ટા મૂકવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા છે. પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ 1.62 કરોડ છે. સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે.