શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 20 જૂન 2021 (08:13 IST)

દરિયાકાંઠાના ગામો માટે સરકારે બનાવી આ ખાસ યોજના, ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પીવાનું મીઠું પાણી મળશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારના લાખો નાગરિકો અને ગામોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ૨૩ ગામોની અંદાજે ૨૧૧૦ હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રૂપ બનશે. આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.
 
આ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે ગીરસોમનાથ જીલ્લામાં રૂ. ૧૦૧.૯૯ કરોડના ખર્ચે આદ્રી બંધારાથી મૂળ દ્રારકા બંધારા સુધીમાં સ્પ્રેડિંગ કેનાલ ૪૦.૫૦ કીમીમાં બનાવવામાં આવશે. ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઇવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા ૮૧ જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે. 
 
ખાસ કરીને વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાનું પાણી મળતુ થશે. દરિયાના પાણીની ખારાશ આગળ વધતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘુસવાની સમસ્યાથી પણ રાહત મળશે. 
 
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે દરિયાઇ ખારાશ જમીનમાં આગળ વધતી અટકાવવા રાજ્યના જળ સંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે સઘન કામગીરી હાથ ધરવામાં આવ છે. અત્યાર સુધીમાં જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ ૪૬ ભરતી નિયંત્રક-બંધારા, ૧૮ પુન:પ્રભરણ જળાશયો, ૩૪ પુન:પ્રભરણ તળાવો, ૩૯૭ કૂવાઓ તેમજ ૨૨૦ કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને ૬૭૮ નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યા છે. 
 
આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે અને ખારાશ પ્રસરતિ અટકવાનો ફાયદો થયો છે. એટલું જ નહીં, ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું છે તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે અને લાખો ખેડૂતોને સિંચાઇથી ખેતીવાડીમાં ફાયદો થયો છે.