સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:49 IST)

ગુજરાતની આ યુનિવર્સિટી સૌથી વધુ ટ્રાંસજેડર કરી રહ્યા છે અભ્યાસ, કોઇએ પત્રકારત્વમાં એડમિશન લીધો તો કોઇએ ગ્રેજ્યુએશન કર્યું

સમાજમાં હવે ધીમે ધીમે ટ્રાન્સજેન્ડર અધિકારો મળવા લાગ્યા છે. સમાજમાં તેનો સ્વિકાર થવા લાગ્યો છે. તેનું એક ઉદાહરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ ખાતે આવેલી આંબેડકર યુનિવર્સિટીમાં અત્રિ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર 2019થી ચાલી રહ્યું છે. સેન્ટરની અંદર 32 જેટલા ટ્રાન્સજેન્ડર ઓફિશિયલ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં રજિસ્ટર કરાવી સ્ટડી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એવા ટ્રાન્સજેન્ડર છે કે, જેઓ મેલ અને ફીમેલ કેટેગરીમાં રજિસ્ટર સ્ટડી કરી રહ્યા છે. આ યુનિવર્સિટીમાં 80 જેટલા કોર્સ ચાલી રહ્યા છે. જેમાંથી કોઈ ગ્રેજ્યુએશન કરી રહ્યું છે તો કોઈ MSWનો કોર્સ કરી રહ્યું છે, તો કોઈએ પત્રકારત્વમાં એડમિશન લીધું છે. તો મોટાભાગના BA, Bcom કરી રહ્યા છે.
 
72થી વધુ ટ્રાન્સજેન્ડર અત્યારે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. તેઓ પણ સમાજમાં અને અન્ય લોકોની જેમ સન્માનભેર નોકરી કરવા ઈચ્છે છે. અહીં ભણ્યા બાદ કેટલાકને જોબ પણ મળી છે અને તેઓ NGOમાં તેમજ અન્ય ફિલ્ડમાં સુપરવાઇઝર સહિતની નોકરી પણ કરી રહ્યા છે.
 
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના VC અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ખાસ કરીને ટ્રાન્સજેન્ડર માટે અલગ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવશે, જેમાં કેરટેકર, કૂકિંગ સહિતના વિવિધ ક્ષેત્રો તેમજ જેમાં ઘણી બધી તકો રહેલી છે તેવા વિવિધ ક્ષેત્રે તેમને આગળ લઈ જવામાં આવશે. ટ્રેનિંગ બાદ તેમનું પ્લેસમેન્ટ પણ કેમ્પસમાં યોજાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.
 
તેમણે જણાવ્યું કે, અમારી વેબસાઇટ પર પણ તેમના માટે અલગથી એક પ્લેસમેન્ટનું ઓપ્શન હશે, જ્યાં અમે ટ્રાન્સજેન્ડર અને મહિલાઓને ટ્રેઇન કર્યા બાદ આગળ લઇ જવાનો પ્રયત્ન કરીશુ. ખાસ કરીને પુરા ગુજરાતમાંથી ટ્રાન્સજેન્ડર ઉત્સાહપૂર્વક સ્ટડી માટે આવી રહ્યા છે. શિક્ષણથી તેઓ સમાજ સુધી જઈ રહ્યા છે, જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ આવ્યો છે. અમે આગામી સમયમાં વધુમાં વધુ જેલના કેદીઓને પણ શિક્ષણ સાથે જોડવા માંગીએ છીએ. જેથી તેઓ બહાર નીકળે ત્યારે તેમનું ભવિષ્ય સારું બને.
 
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્ટડી કરતા ટ્રાન્સજેન્ડરે જણાવ્યું હતું કે, હું બરોડાથી છું અને અહીં ગ્રેજ્યુએશન કરી રહી છું. મને કોલેજમાં એડમિશન મળ્યા બાદ NGOમાં જોબ પણ મળી છે. હું આગળ MSW કરવા માંગુ છું. હું જ્યારે ધોરણ 7માં સ્ટડી કરતી હતી, ત્યારે મારી રહન-સહન અલગ હોવાથી, તેમજ એક બનાવ બનવાના કારણે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારે મારા ઘર પરિવારજનોએ પણ મારાથી મોં ફેરવ્યું હતું. જાણે હું કોઈ એલિયન હોઉં તેવી રીતે લોકો મને જોતા હતા. મને વાળ લાંબા પસંદ હતા. નેલ પોલીસ કરવું ગમતું હતું. સમાજથી અલગ રહી ઘર પરિવારથી દૂર રહી મારે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો, પરંતુ હું કોઈની સામે હાથ લંબાવવા નહોતી માગતી. હું મારી જાતે પગ પર ઊભી થવા માંગતી હતી જેથી મેં ભણવાનું નક્કી કર્યું અને અત્યારે કોલેજના બીજા વર્ષમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણી રહી છું. મને આ યુનિવર્સિટીએ ભણવા માટેની તક આપી જેની હું આભારી છું. અહીં મારો કોલેજનો અભ્યાસ શરૂ થતાની સાથે મને NGOમાં જોબ મળી. અત્યારે લક્ષ્ય ટ્રસ્ટ સાથે જોડાઈને HIV અવેરનેસ માટે હું કામ કરી રહી છું.
 
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અત્રિ સ્પેશ્યલ લર્નર સપોર્ટ સેન્ટરના કોર્ડીનેટરે જણાવ્યું કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પહેલા ટ્રાન્સજેન્ડરના અલગ પ્રકારના ક્રાઇસિસ હતા. જેઓ અન્ય કોઈ જગ્યાએ એડમિશન લેવા માટે જતા હતા, ત્યારે ડોક્યુમેન્ટ અલગ નામથી હતા. જેથી અમે સમાજ સુરક્ષા સાથે વાત કરી અને જેઓ હાલ તેમને સ્પોન્સર કરી રહ્યા છે. જેથી અમે પણ તેમને સમાજ સુરક્ષા સાથે મળી એ જ નામથી તેમને એડમિશન આપીએ છીએ જે નામ તેઓ ઇચ્છે છે. યુનિવર્સિટીના દરેક કાર્યક્રમોમાં તેઓ ભાગ લે છે, સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ હોય કે અન્ય કોઈ ઉદ્ઘાટન, કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં તેમને ચોક્કસથી બોલાવવામાં આવે છે અને તેઓ ભાગ પણ લે છે. તેઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે બેસીને પરીક્ષા પણ આપે છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડરની રજિસ્ટર્ડ સંખ્યા સૌથી વધુ અહીં છે.