વડોદરામાં યુવાધનને ખોખલુ કરી રહેલા 960 નશાયુક્ત પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શન સાથે ત્રણ ઝડપાયા
વડોદરામાં યુવાનોને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવી રહેલી ત્રિપુટીની 960 નંગ "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇજેક્શન મળી કુલ્લે રૂપિયા 8.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના યુવાનોને નશીલા ઇન્જેક્શનના ઝડપાયેલા કૌંભાડ અંગેની માહિતી આપતા શહેર એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. શાંતિલાલ વાલજીભાઇને માહિતી મળી હતી. શહેરના મદનઝાંપા રોડ ઉપર 303, અવિષ્કાર કોમ્પ્લેક્ષમાં રહેતો વિજયકુમાર જગદીશ પંચાલ પોતાની ઓટો રિક્ષામાં યુવાધનને ખોખલુ કરતા નશીલા પ્રતિબંધિત "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇન્જેક્શનોનો જથ્થો લઇને સૈયદ વાસણા રોડ ઉપર મધર સ્કૂલ પાસે સુરજ રમેશ પટેલને આપવા માટે જવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એ.એસ.આઇ. શાંતિલાલની માહિતીના આધારે સ્ટાફના પોલીસ જવાનોએ રોઝરી સ્કૂલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન હોન્ડા કારમાં વિજયકુમાર પંચાલ પાસે ઇન્જેક્શનની ડિલીવરી લેવા માટે આવી પહોંચેલા સુરજ રમેશ પટેલ (રહે. બી-33, લક્ષ્મીનારાયણ સોસાયટી, મધર સ્કૂલ પાછળ, સૈયદ વાસણા રોડ, વડોદરા) અને હરીશ જગદીશ પંચાલ (રહે. એફ.એફ.- 101, મહાકાશી કોમ્પ્લેક્ષ, વાડી વચલી પોળ, વડોદરા)ને દબોચી લીધા હતા.
પી.આઇ. એસ. જી. સોલંકીએ જણાવ્યું કે, રોઝરી સ્કૂલ પાસેથી ધરપકડ કરવામાં આવેલી ત્રિપુટી પાસેથી રૂપિયા 27,180ની કિંમતના 960 ઇન્જેક્શનો, રૂપિયા 18000 રોકડા, બે મોબાઇલ ફોન, ઓટો રિક્સા અને હોન્ડા કાર સહિત રૂપિયા 8,10,187નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરવામાં આવી છે. યુવાધનને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવનાર ત્રિપુટી "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇન્જેક્શન રાજ્ય બહારથી ચોકલેટ અને સેનેટરી પેડની આડમાં જથ્થાબંધ લાવતા હતા. અને વડોદરામાં નશાના રવાડે ચઢેલા યુવાનોને રૂપિયા 100થી રૂપિયા 150માં વેચાણ કરતા હતા. આ ઇન્જેક્શન એનેસ્થેસીયા આપનાર તબીબો દ્વારા વાપરવામાં આવે છે, જે પ્રતિબંધિત છે. મળેલી માહિતી પ્રમાણે નશાના રવાડે ચઢેલા આ યુવાનો નશામાં રહેવા માટે નશાખોર યુવાનો "પેન્ટાઝોશીન લેક્ટેટ" નામના આ ઇન્જેક્શનોનો નશો કરતા હોય છે. વડોદરામાં નવલખી મેદાન, સમા-સાવલી રોડ ઉપર બ્રિજ નીચે નશાખોર યુવાનોના સ્પોટ હોય છે. આ ઇન્જેક્શનોનો નશો કરતા યુવાનો જાતે જ પોતાના શરીરમાં લેતા હોય છે. અને નશો કરતા હોય છે. શહેરનું યુવાધન આ ઇન્જેક્શનોના રવાડે ચઢેલું છે. ત્યારે એસ.ઓ.જી. દ્વારા નશીલા ઇન્જેક્શનોના ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ કરતા નશાયુક્ત ઇન્જેક્શનોનો વેપલો કરતા અને નશો કરતા યુવાનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ઝડપાયેલી ત્રિપુટીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.