રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:17 IST)

છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત તાલુકાઓમાં વરસાદ નોંધાયો, ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 19 મી.મી અને ડાંગના વઘઈમાં 10 મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના વાંસદામાં 5 મી.મી, વલસાડના કપરાડામાં 2 મી.મી, વેરાવળમાં એક, ગણદેવીમાં એક અને ડાંગના આહવામાં પણ એક મી.મી વરસાદ નોંધાયો છે.
 
દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11  જુલાઇના  અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇના નર્મદા,ડાંગ,તાપી,સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે 13જુલાઇના આણંદ,વલસાડ,નવસારી, સુરત,ભરૂચ,દમણ અને ભાવનગરમાં અતિ ભારે,દાહોદ,પંચમહાલ,બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.84 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવીવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તિવ્રતામાં પણ વધારો થશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.