બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (10:20 IST)

હાવરા અમદાવાદ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર

હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલ બે બાંગ્લાદેશી યુવતીઓ સહિત ત્રણ યુવતીઓ વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી જતાં પોલીસે તેમને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે. ત્રણ બાગલાદેશી યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કરી હતી.નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

ત્રણેય યુવતીઓ દિવાલ પાસે કચરાની ડોલ મુકી તેના પર ચઢીને નારી સંરક્ષણ ગૃહના કમ્પાઉન્ડની વોલ કૂદીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પોલીસ કર્મચારીઓએ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ યુવતીઓ સાથે મુસાફરી કરી રહેલા શંકાસ્પદ યુવકને ઝડપી પાડયો હતો. વડોદરા રેલવે સ્ટેશન આવતાં તેમણે શંકાસ્પદ વ્યક્તિનો તથા ત્રણ યુવતીઓનો કબજો વડોદરા રેલવે પોલીસની મિસિંગ સેલ ટીમને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલ મૌસમી ઉર્ફે સારમીન મીંટુ શેખ,યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ (બન્ને રહે -પશ્ચિમ બંગાળ),પોપીબેગમ ઉર્ફે ફરજાના મોહમ્મદ શેખ (રહે-બાંગ્લાદેશ) અને નાજમુલ અલીબુદીન શેખ (રહે -પશ્ચિમ બંગાળ) હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે ત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ આધાર કાર્ડના આધારે યુવતીઓના ડોક્યુમેન્ટ મેળવી મામા નામના વ્યક્તિ પાસે બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 03 બનાવટી આધાર કાર્ડ, 06 નંગ મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, એટીએમ કાર્ડ તથા ટ્રેનની ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી નાજમુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ત્રણે યુવતીઓને વડોદરાના નિઝામપુરામાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. વહેલી સવારે આ ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીને ચકમો આપી ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ત્રણ બાગલાદેશી યુવતીઓ ફરાર થઇ જતાં નારી સંરક્ષણ ગૃહની સિક્યોરિટીની પણ પોલમપોલ છતી થઇ છે. વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા શહેર પોલીસે તંત્રની ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાચની ટીમ કામે લાગી ગઈ હતી.