ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2024 (12:34 IST)

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અંકલેશ્વર અને બાબરામાં સવા બે ઇંચ ખાબક્યો

રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે.અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘમહેર જોવા મળી છે. રાજુલા-જાફરાબાદમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. તો સોમવારે સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા, જૂના સાવર, લાઠીના હરસુરપુર, બાબરાના વાંડળિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરા અને લીલિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભાવનગરના ગારિયાધારમાં પણ ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓ વહેતી થઇ હતી.

સુરત શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો. તો નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. જેને લઇને બફારાથી લોકોને રાહત મળી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે એટલે કે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.