શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (12:43 IST)

હવે અમદાવાદની ટ્રાફિક સમસ્યા આમ હલ થશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ સૂચવેલા રૂ.૪૫૦ કરોડના સુધારામાં નવા બે ફ્લાયઓવર, બે અંડરપાસ અને ચાર બ્રિજ એક્સટેન્શન મળીને કુલ છ બ્રિજ માટે રૂ.૧૮.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.  નારણપુરાના પલ્લવ ચાર રસ્તા, ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા ઉપર નવા ફ્લાયઓવર બંધાશે તો સોલા બ્રિજ અને ચાંદલોડિયા રેલવે ક્રોસીંગ નીચે અંડરપાસ બાંધીને ટ્રાફિક ઘટાડવાનું આયોજન કરાયું છે. આ સિવાય કેડિલા બ્રિજ, ખોખારા રેલવે બ્રિજ પહોળા કરવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ૭૦ વર્ષ જુના ખોખરા રેલવે ઓવર બ્રિજનો એક ભાગ થોડા મહિના પહેલા તુટી પડયો હતો. ઉપરાંત સોલા બ્રિજની નીચે હયાત કલ્વર્ટની બાજુમાં નવુ બોક્ષ ટાઇપ કલ્વર્ટ બનવાથી ટ્રાફિક ઘટશે. અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા બજેટમાં રૂ.૪૫૦ કરોડના સુધારા મુક્યાં છે જેમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઉપર ફોક્સ કરવામાં આવ્યું છે. પહેલીવાર બજેટમાં નારણપુરા પલ્લવચાર રસ્તા ઉપર ફ્લાયઓવર બાંધવા માટે ફિઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરાવવાનું નક્કી કર્યું છે. ચાંદલોડિયા રેલવે ક્રોસીંગ મીની અંડરપાસ તૈયાર કરાવવા માટે રૂ.૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાંકરિયાથી અંબિકામીલ તરફથી હયાત રેલવે ઓવર બ્રિજની પહોળાઇ વધારવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે. પૂર્વ વિસ્તારમાં ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે ફ્લાયઓવર માટે રૂ.૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર ઉપર આવેલ કેડિલા રેલ્વે ઓવર બ્રિજની પહોળાઇ વધારવા માટે ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત એસજી હાઇવે ઉપર સોલા ઓવરબ્રિજ નીચે બોક્ષ ટાઇપ કલ્વર્ટ તૈયાર કરીને ટ્રાફિકની સરળતા કરવા માટે રૂ.૧.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ બ્રિજ પ્રોજેક્ટ માટે કુલ રૂ.૧૮.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.