સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (17:39 IST)

અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓ એકબીજાને ભેટીને ભાવુક થયાં, ઈમરાન ખેડાવાલાએ ગ્યાસુદ્દિન શેખને હિંમત આપી

congress mla
અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓના વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. શહેરની દરિયાપુર અને જમાલપુર બેઠકના બંને ઉમેદવારો એકબીજાને મળીને ભાવુક થયાં હતાં. બંને નેતાઓએ એકબીજાને સાંત્વના આપી હતી. દરિયાપુર બેઠકના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખ આ વખતે ચૂંટણીમાં હારી ગયાં છે અને જમાલપુર બેઠકના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા આ વખતે પણ ચૂંટણી જીતી ગયાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલા એકબીજાને ભેટી રહ્યાં છે. બંને નેતાઓ ભાવુક થઈને એકબીજાને સાંત્વના આપતાં જોવા મળી રહ્યાં છે.

ઈમરાન ખેડાવાલાની જીત પર ગ્યાસુદ્દિન શેખે તેમને અભિનંદન આપ્યા હતાં. તેમજ ઈમરાન ખેડાવાલાએ ગ્યાસુદ્દિનને હિંમત આપી હતી. ગ્યાસુદ્દિન શેખની ઓફિસ પર ઈમરાન ખેડાવાલા તેમને મળવા ગયાં હતાં. ત્યાર બાદ આ દ્રશ્યો સર્જાયા હતાં.અમદાવાદ શહેરની ચાર બેઠકોમાંથી આ વખતે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર જ જીત મેળવી શકી છે. શહેરની બાપુનગર બેઠક પરથી હિંમતસિંહ પટેલ હારી ગયા છે. જ્યારે દાણિલીમડા બેઠક પરથી શૈલેષ પરમાર છેલ્લી ઘડીએ જીતી ગયાં છે. જ્યારે અન્ય બે બેઠકોની વાત કરીએ તો દરિયાપુર બેઠક પરથી આ વખતે ભાજપના ઉમેદવાર કૌશિક જૈન જીત્યાં છે અને કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખ હારી ગયાં છે. જ્યારે જમાલપુર બેઠક પર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ મોદીના રોડ શો બાદ પણ ભાજપના ભૂષણ ભટ્ટને હરાવ્યાં છે.