રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (10:59 IST)

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: નર્મદામાંથી પાણી છોડાતા અનેક નદીઓ બની ગાંડીતૂર, આલિયાબેટમાં 30 ભક્તો ફસાયા

mp narmada
મધ્યપ્રદેશ અને નર્મદા ડેમના ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહી હતી. જેના પગલે મંગળવારે સાંજે પાંચ કલાક ડેમની જળ સપાટી ૧૩૪.૭૪ મીટરે પહોચી હતી. ડેમમાં પાણીની આવક ૩.૪૩ લાખ ક્યુસેક રહી હતી. જ્યારે ડેમના ૨૩ દરવાજાઓ ૨.૯૦ મીટરે ખોલવામાં આવતાં તથા જળ વિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઇ રહેલા પાણી મળી કુલ ૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેના પગલે નર્મદા નદીના જળસ્તરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. 
 
ત્યારે નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળ પર આવેલાં આલિયાબેટમાં ભરતીના પાણીમાં 30થી વધારે લોકો ફસાયાં હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. ચાર દિવસ પહેલાં બનેલી ઘટનામાં મંદિરમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.
 
આલિયાબેટ ખાતે 12 ઓગસ્ટ ના રોજ પૂનમ ભરવા બિલિયાઈ માતા મંદિરે ભક્તો ફસાયા વિડીયો વાયરલ થયો હતો. પૂનમ ની ભરતી ને લઇ 36 કલાક સુધી મંદિર ખાતે ત્રણ થી વધુ લોકો પૂરના પાણી માં વિતાવી પડી હતી હાંસોટ પોલીસ ની મદદ માગી હતી. જો કે ફસાયેલા લોકો જાતે જ સંબંધ નો સંપર્ક કરી નીકળી ગયા હતા. આલિયાબેટ ખાતે રહેતા કબીલાવાસી મદદરૂપ થયા હતા.  આજરોજ આલીયાબેટ ખાતે બિલિયાઇ માતા જી મંદિર ખાતે લોકો ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ હાલ ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તે દરમિયાન જ વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થઇ ગયું હતું. દરમિયાન આ વાયરલ વિડીયો ની હકીકત સામે આવી હતી. ગત ૧૨મી ઓગસ્ટ ના પૂનમ ના દિવસે આહીર સમાજ ના ભક્તો બિલિયાઇ માતા જી ના દર્શન કરવા ગયા હતા જેવો ત્યાં ફસાઈ ગયા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આલિયાબેટ પાસે નર્મદા નદી અને અરબી સમુદ્રનો સંગમ થાય છે. નર્મદા મૈયાની પરિક્રમાવાસીઓ પણ કતપોરથી બોટમાં બેસી સામે દહેજના કિનારે જતાં હોય છે. થોડા સમય પહેલાં આલિયાબેટ પાસે પરિક્રમાવાસીઓની બોટ ફસાઇ હતી. જેમાં એનડીઆરએફની ટીમે રેસ્કયુ ઓપરેશન કરી 35 જેટલા પરિક્રમાવાસીઓને બચાવી લીધાં હતાં.
 
અંકલેશ્વર તાલુકાના ૧૩ ગામોને એલર્ટ કરાયા 
અંકલેશ્વર ના સરફુદ્દીન ,ખાલપા ,જુના છાપરા ,જુના કાશીયા ,બોરભાઠા બેટ ,સક્કરપોર ,જુના પુનગામ ,બોરભાઠા , જુના તરીયા , જુના ધંતુરીયા ,જુના દિવા સહીત ના 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે,સાથે  તંત્ર દ્વારા આ ગામો ના સરપંચ અને તલાટી ને પણ સ્થળ ઉપર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
 
તો બીજી તરફ, ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.