સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ડિસેમ્બર 2020 (12:29 IST)

યુએસ યુનિવર્સિટીઓમાં વર્ષ 2021ના પ્રવેશનો પ્રારંભ, વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો થવાની અપેક્ષા

નવુ વહિવટીતંત્ર હોદ્દો સંભાળવા સજજ છે, ત્યારે  સમગ્ર અમેરિકામાં કોરોનાનુ રસીકરણ શરૂ થયું છે ત્યારે અમેરિકાની યુનિવર્સિટીઓ આગામી વર્ષથી વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવનારા વિદેશના વિદ્યાર્થીઓનો ભારે ધસારો થવાની અપેક્ષા રાખી રહી છે એમ એક વેબીનારમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું.
 
કોવિડ-19 મહામારીને કારણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદેશના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020માં વિદ્યાર્થીઓની સંખ્યા 43 ટકા જેટલી ઘટી છે. યુનિવર્સિટીઓ ફૉલ સીઝનમાં કોવિડ-19 મહામારીને કારણે વધુ 40,000 વિદ્યાર્થી પ્રવેશ લેવાનુ ટાળે તેવી સંભાવના હતી.
 
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ રિક્રુટમેન્ટના આસિ. ડિરેકટર બી. વિનસેન્ટ મિલામ જણાવે છે કે “હવે માંગમાં વધારો થયો છે, ફરીથી મુસાફરી કરવાનુ આસાન બનશે ત્યારે અમેરિકાની  યુનિવર્સિટીમાં દાખલ થવા માટે  ધસારો થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. જાન્યુઆરીમાં  વિદ્યાર્થીઓને જાન્યુઆરીથી વીઝા મળવાની શરૂઆત થઈ જશે.”
 
ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના (IACC)ની ગુજરાત શાખાના ઉપક્રમે આયોજીત વેબિનારમાં બોલતાં તેમણે જણાવ્યુંહતું કે  અમેરિકા વિદ્યાર્થીઓ માટે  પસંદગીના સ્થળ તરીકે ચાલુ રહ્યુ છે.
 
ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જના ઓપન ડોર્સ 2020ના અહેવાલ મુજબ, 2019-20માં 1.93 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. , જે અગાઉના વર્ષ કરતાં 4 ટકા ઓછા હતા. અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદેશી નોંધણીમાં ભારતીય વિદ્યાર્થીઓનુ પ્રમાણ 18 ટકા જેટલુ છે, જે  સૌથી વધુ સંખ્યા ધરાવતા ચીન પછી બીજા ક્રમે છે. અમેરિકાનુ શિક્ષણ તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીઓને ઈમીગ્રેશનના મજબૂત ટેકેદાર જો બાઈડનના આગમનને કારણે ઉત્સાહમાં છે.
 
તેમણે જણાવ્યું હતું કે “જો બાઈડેન ઈમીગ્રેશનના મજબૂત ટેકેદાર છે.  તેમણે વીઝા સિસ્ટમમાં સુધારા કરવાની અને પ્રવાસ પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરી છે. યુએસ યુનિવર્સિટીઝ અને વિદેશી વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી ભવિષ્ય ઉજ્જવળ છે અને અમે વર્ષ 2021માં પ્રવેશ આપવા આતુર છીએ. ”
 
યુનિવર્સિટી ઓફ અલાબામા (યુએબી)  ખાતે આસિ. ડિરેકટર, ઈન્ટરનેશનલ માર્કેટીંગ એન્ડ રિક્રૂટમેન્ટ એલ્ડન વિલિયમ્સે યુનિવર્સિટી અંગે તથા ઓફર કરવામાં આવતા વિવિધ કોર્સ તથા વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો તથા અન્ય પાસાં અંગે પ્રેઝન્ટેશન આપ્યુ હતું.
 
તેમણે જણાવ્યું હતું કે “યુએબીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે. અહીંના ઉત્તમ જાહેર આરોગ્યને કારણે હાલમાં આ સ્થળને અમેરિકાનુ સૌથી સલામત સ્થળ ગણવામાં આવે છે. અમે જાન્યુઆરીથી સામાન્ય કરતાં વધુ વિદ્યાર્થી દાખલ થશે તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. ”આ નિષ્ણાતોએ કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા હતા.
 
આઈએસીસીની ગુજરાત શાખાના ચેરમેન શૈલેષ ગોયલે સમારંભનુ સંચાલન કર્યુ હતું. જયારે આઈએસીસીની વેસ્ટર્ન કાઉન્સિલના ચેરમેન પંકજ બોહરાએ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમને  ઈન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી અને એજ્યુકેશન યુએસએનો સહયોગ પ્રાપ્ત થયો હતો.