ગુજરાત હાઈકોર્ટના પાર્કિંગમાં નકલી સ્ટિકર ચોંટાડી પાર્ક કરાયેલાં વાહન પકડાયાં
હાઇકોર્ટના સ્ટાફ અને વકીલો માટે પાર્કિંગના સ્ટીકર્સ ફાળવવામાં આવ્યા છે. આ સ્ટીકરની કલર ઝેરોક્સ કરાવીને કેટલાક લોકો કોર્ટમાં વાહનો પાર્ક કરતા પકડાયા છે. હાઇકોર્ટની સલામતી શાખા દ્વારા પાર્કિંગના નકલી ઝેરોક્સ સ્ટિકર પકડતા તેની તપાસ શરૂ કરી છે. આ અંગે સલામતી શાખા દ્વારા 15થી વધુ વાહનચાલકને પકડાયા છે.હાઇકોર્ટના પ્રવેશ દ્વાર પર સલામતી શાખા દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે.
સ્ટાફ અને વકીલો માટે અલગ અલગ પાર્કિગની વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક વાહનો પર પાર્કિગના સ્ટિકર આપવામાં આવ્યા છે. તે પૈકી સલામતી શાખાને કેટલાક વાહનચાલકોએ લગાવેલા સ્ટિકર પર શંકા ગઇ હતી. તેથી પાર્કિંગમાં તપાસ કરતા 15 થી વધુ વાહનો પર નકલી ઝેરોક્સ સ્ટિકર લગાવેલા મળ્યા હતા.સુરક્ષાના કારણોસર પણ આ ગંભીર બાબત કહી શકાય તેથી તપાસ શરૂ કરી છે. આવા સ્ટીકર કયા અને કોણ બનાવી આપે છે? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોના વાહનો પરથી નકલી સ્ટિકર મળ્યા છે તેમના ઓળખપત્રો તપાસવામાં આવતા તે તમામ કોર્ટના સ્ટાફ અથવા વકીલો હોવાનું જાણવા મળ્યું હતું.