શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (15:56 IST)

લ્યો બોલો! વાઈબ્રન્ટ સમિટ માટે વિવિધ રાજ્યોમાં મંત્રીઓ પહોંચશે અને રોડ શો કરશે

આગામી ૧૮, ૧૯ અને ૨૦મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. તાજેતરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોટો કાર્યક્રમ સંપન્ન થયા બાદ હવે સરકારનું ધ્યાન આગામી વાયબ્રન્ટ સમિટ પર મંડાયું છે. તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલુ થઇ ગઈ છે. આગામી દિવસોમાં સરકારનાં જુદા જુદા વિભાગોનાં મંત્રીઓ અન્ય રાજ્યોમાં જઇને રોડ-શો તથા પ્રદર્શન કરશે.
નવેમ્બરના ત્રીજા અઠવાડીયાથી લઇને ડિસેમ્બર મહિનામાં પણ આવા રોડ શો યોજવામાં આવશે. ખાસ કરીને મંત્રીઓ દેશનાં ચાવીરુપ અને મહત્વનાં મોટા શહેરોમાં જઇને રોડ-શો કરશે. તેઓ જે-તે વિભાગનાં આઇએએસ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ સાથે લઇ જશે. આ પ્રતિનિધિ મંડળ જે-તે શહેરોમાં સ્થાનિક અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપારી સંગઠનો અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. તેમજ વાઇબ્રન્ટમાં આવવા માટેનું આમંત્રણ પાઠવશે. ૧૯મી નવેમ્બરે ઉર્જામંત્રી સૌરભ પટેલ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે પૂનાની મુલાકાત લેશે. જેમાં એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ, નાણાકીય સંસ્થાનોનાં આગેવાનોને મળીને ગુજરાતમાં રોકાણ કરવામાં કેટલા ફાયદા છે તેની સમજાવટ કરશે.
ઉપરાંત ગુજરાતમાં જે-તે ઉદ્યોગોને લગતી નીતિઓ, પ્રોત્સાહન અને ગીફટ સિટીમાં ફાયનાન્સને લગતા બિઝનેસ માટે કરાયેલી વ્યવસ્થાની માહિતી પણ તેઓને અપાશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી દિવસોમાં દિલ્હી જશે. જયાં તેઓ રાજકીય નેતાઓ, કેન્દ્રના મંત્રીઓ તથા ઉદ્યોગપતિઓ સાથે મીટીંગોનો દૌર ચલાવશે. તેમજ સમિટમાં પધારવા માટેનું સત્તાવાર નિમંત્રણ આપશે. આ સિવાય અન્ય સિનિયર-જૂનિયર મંત્રીઓના કાર્યક્રમો પણ ગોઠવાઇ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાની આ છેલ્લી વાઇબ્રન્ટ સમિટ છે. જેમાં વડાપ્રધાન મોદી, દેશ-વિદેશનાં ટોચના નેતાઓ-ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી કોઇ કસર છોડાશે નહીં.