શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (15:56 IST)

ગુજરાતમાં ગામડાંમાં કોરોના કાબૂમાં લેવા અમદાવાદના પૂર્વ કમિશ્નર વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપાઈ

ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. ગુજરાત સરકારે ગામડાંમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન અને યોગ્ય તેમજ ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા માટે ફરી એકવાર વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે એક વર્ષ પછી ફરીવાર કોરોના ટાસ્કફોર્સમાં નેહરાની એન્ટ્રી થઈ શકે છે.

અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાં પણ વધુ સંક્રમિત બન્યાં છે, ખાસ કરીને ત્યાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમ કે ટાંચા સાધનો અને સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.કોરોનાની બીજી લહેર ગામડાંમાં વ્યાપક બની જતાં અને રાજ્યના ગ્રામ વિકાસ કમિશનર તરીકે વિજય નેહરાની કામગીરી અને જિલ્લાવાઈઝ સમીક્ષા જોઈને રાજ્ય સરકાર ગામડાંમાં કોરોના કાબૂમાં લેવા માટે વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી શકે છે. એની સાથે સાથે નેહરાનો કોવિડ ટાસ્કફોર્સમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્કફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મામલે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાતોની મહત્ત્વની બેઠક આજે બોલાવવામાં આવી છે, જેમાં ગામડાંમાં ફેલાતા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબૂત બનાવવાની જવાબદારી વિજય નેહરાને સોંપાવાની શક્યતા છે.