મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (14:11 IST)

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ‘ઇન્સ્ટાગ્રામ’ મિત્રને મળવા યુવતી હિંમતનગરથી હૈદરાબાદ પહોંચી

હિંમતનગર શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં રહેતી સગીરા ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ 1292 કિમીની સફર ખેડી નાખતા સૌ કોઇના જીવ પડીકે બંધાયા હતા. બે સગીરા રવિવારે ગુમ થયા બાદ બી ડિવિઝન પોલીસે 24 કલાકમાં મિત્ર વર્તુળ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેની ભાળ મેળવી પરત લાવવા માટે પોલીસની એક ટીમને હૈદરાબાદ રવાના કરી દીધી છે બંને સગીરાનો પત્તો મળી જતા બંને પરિવારે રાહતનો દમ લીધો હતો.

રવિવારે કેન્દ્રીય વિદ્યાલયના બે શિક્ષકોની ધો-7 અને ધો-10 માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ ઘેરથી બહાર ગયા બાદ પરત ન આવતા બી ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે પણ ગંભીરતા સમજી તરત તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ એમ.બી.કોટવાલે જણાવ્યું કે મોટી સગીરાને ઇન્ટાગ્રામ પર હૈદરાબાદના સગીર સાથે મિત્રતા થઇ હતી અને તેના મિત્ર વર્તુળ દ્વારા આ બાબત ધ્યાન પર આવી હતી. હૈદરાબાદમાં રહેતા સગીરનો જન્મ દિવસ આવતો હોઇ તેને સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ જવા રવાના થઇ ગઇ હતી. 

ટ્રેનમાં અવરજવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકટ લઇને અમદાવાદથી નીકળી હતી. સફર દરમિયાન તેમના કોમન મિત્રને સાથી પેસેન્જરનો ફોન લઇને સરપ્રાઇઝ આપવા આવી રહ્યા હોવાની અને તેના મિત્રને જાણ ન કરવાની વાત પણ કરી હતી. ત્યારબાદ જે છોકરાને સરપ્રાઇઝ આપવા ગઇ હતી તેનો સંપર્ક કરી તપાસ કરતા બંને સગીરા તેના ઘેર હેમખેમ હોવાનુ જાણવા મળતા બંનેને પરત લાવવા પોલીસની એક ટીમ હૈદરાબાદ રવાના કરાઇ છે. વાલીઓમાં લાલબત્તી સમાન આ કિસ્સાએ ઘણી બધી ચેતવણીઓ આપી દીધી છે.