દુનિયાનુ સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થશેઃ સોનોવાલ
કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત દરમિયાન કામગીરી સંદર્ભમાં રિવ્યૂ બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંહ, અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ, પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિવ્યૂ બેઠક બાદ પ્રેસને સંબોધતાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર એક સમયના આ વિખ્યાત બંદરના અમૂલ્ય વારસાને ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થવાનું છે. લોથલ ખાતે આકાર લઈ રહેલા 35 એકરમાં વિસ્તરેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કુલ ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટ થકીનો લાભ લોથલની આસપાસનાં લોકોને મળશે. આ કોમ્પ્લેક્ષને કારણે ટૂરિઝમનો વિકાસ થશે અને રોજગારીની અનેક નવી તકો સર્જાશે. આપણી સભ્યતાની તાકાત આખી દુનિયા જોઈ શકશે. અહીં મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ પણ બનવાની છે, જેમાં દુનિયાભરના લોકો બંદર અને વહાણવટા અંગે શીખવા માટે આવશે.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયું છે, તેને સાકાર કરવા માટે બધા પ્રયત્નશીલ છીએ. આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો પણ ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે.
સમીક્ષા બેઠકમાં પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રોજેક્ટને લગતી ફિલ્મ પણ મંત્રીને દર્શાવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને શ્રમિકોને પણ ઉત્સાહભેર મળ્યા હતા.