ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (13:03 IST)

સમગ્ર વડોદરા જિલ્લામાં 1800થી વધુ સ્થળોએ યોગ દિવસ ઉજવાયો

આજે વિશ્વના 117 દેશ સાથે વડોદરા શહેર-જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ સાધના કરી હતી. આ સાથે શહેર-જિલ્લામાં 1800 જગ્યાએ યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આપણા પ્રધાનમંત્રી યોગી છે એ સહુ માટે ખૂબ મોટા ગૌરવની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમની નિષ્ઠાથી આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવે છે. તેમણે જણાવ્યું કે ભારતીય યોગ પરંપરાનો વિશ્વની સહુથી મોટી વૈજ્ઞાનિક શોધમાં સમાવેશ થઇ શકે. પોતે નિયમિત યોગ કરે છે એવી જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, યોગ તંદુરસ્તી, શાંતિ અને એકાગ્રતા આપે છે. જ્યાં સુધી જગતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ભારતીય યોગ પરંપરા નીત નવીનતા સાથે જીવંત રહેશે.
સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા યોગ સાધનામાં મેયર ડૉ.જિગીષાબેન શેઠ, સ્થાયી અધ્યક્ષ સતિષ પટેલ સહિત પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ પદાધિકારીઓ, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, કાર્યકારી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી, નાયબમ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિત ઉચ્ચાધિકારીઓ, એસએજીના રમતવીરો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.
ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં યોગ સાધના સત્ર યોજાયુ હતુ. તો ઇસ્કોન મંદિર અને અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોએ યોગ સાધના કરી હતી. જરોદ ખાતે એન.ડી.આર.એફ. દ્વારા યોગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. નિઝામપુરા યોગ નિકેતન કેન્દ્ર દ્વારા પણ સંગીતમય યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તે બાદ યોગની જાગૃતિ માટે વિસ્તારમાં યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર-જિલ્લામાં આજે વિશ્વ યોગ દિન નિમીત્તે 1800 જેટલી જગ્યાઓ ઉપર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.