મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું: 2500થી 3000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે
રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. યુક્રેનની પરિસ્થિતિના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં છે. આ મુદ્દે આજે રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, 2500થી 3000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહેલના ટ્વીટ પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે, આવી સ્થિતિમાં રાજકારણ કરવું યોગ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. ચીફ સેક્રેટરી પંકજકુમારે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરીને માહિતી મેળવી છે. સૌ પ્રથમ યુક્રેનમાં રહેલા લોકોને સલામત રાખવાની અમારી પ્રાથમિકતા છે. બાદમાં તેઓને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય સરકારે પણ કન્ટ્રોલરૂમ શરૂ કર્યો. જ્યાં 07923351900 હેલ્પલાઈન નંબર પર આપણા લોકો સંપર્ક પણ કરી શકે છે.રાજકોટમાં આજે ગરીબ કલ્યાણ મેળાનો આરંભ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે રાજકોટ પોલિસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીનો સહિતના કામ માટે 75 લાખ રૂપિયાની લાંચની માંગના આક્ષેપો અંગે મીડિયાને જણાવ્યું હતું કે, બધી તપાસ સાર્વજનિક નથી હોતી, જયારે તપાસ પુરી થશે ત્યારે ખબર પડશે.