ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By એજન્સી|

રાજ્યભરમાં જોરસોરથી ઉત્તરાયણનો પ્રારંભ

વિશ્વભરના તમામ ગુજરાતીઓ બે દિવસ છત પર પતંગો ચગવવાની મજા માણશે

NDN.D

ગુજરાતભરમાં આજે અને કાલે મંગળવારે ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી થઇ રહી છે. પતંગપ્રેમીઓ પર જાણે ઉત્તરાયણનો ઉન્માદ છવાઈ ગયો હોય તેવો માહોલ આજે પ્રાંતઃકાળથી ચારે તરફ નજરે પડી રહ્યો હતો. તેમાં પણ ગઇકાલે રવિવારની રજા હોવાથી રાજ્યભરમાં ગઇકાલથી જ ઉત્તરાયણની ઉજવણી શરુ થઈ ગઈ છે. અગાસીઓ અને ધાબાઓ પર ગઇકાલથી જ લોકો ચઢી ગયા હતા અને શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગઈ છે.

ઉત્તરાયણ ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે. લોકોએ છેલ્લા બે દિવસથી જે રીતે પતંગો અને દોરાની ખરીદી કરી છે તે જોતાં તેમ લાગે છે કે ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરવામાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. આજે પણ ઉત્તરાયણ પહેલાના આખરી દિવસે પતંગ અને દોરાની ધૂમ ખરીદી ચાલુ રહી હતી. ગુજરાતના પતંગબજારોમાં મધરાતના બે વાગ્યા સુધી ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેરોની અગાસીઓ પર આજથી જ ડી.જે.સિસ્ટમો ગોઠવાઈ ગઈ હતી.ધૂમધડાકાભેર વાગતા ફિલ્મી ગીતોએ ઉત્તરાયણના માહોલની આજથી જ જમાવટ કરી દીધી હતી.

ઉત્તરાયણના બે દિવસ પતંગ ચગાવવા માટે પવન અનૂકુળ રહે તેમ લાગી રહ્યું છે. રવિવારે સવારથી જ પવન ફૂંકાયો હતો. આજે અને મંગળવારે જો આ પ્રકારનો જ પવન રહ્યો તો પતંગરસિકોને પંતગ ચગાવાવના જલ્સા થઈ જશે. ગુજરાતના આકાશમાં આજે અને આવતીકાલે જોરદાર પતંગ યુધ્ધ જામશે.

ઉત્તરાયણ પર્વના બે દિવસ યુવા વર્ગ માટે પતંગ ચગાવવાની સાથે સાથે લેટેસ્ટ ફેશનના કપડા પહેરવાના પણ હશે. અગાસીઓ અને ધાબાઓ પર ટોપી અને ગોગલ્સ પહેરીને ઝૂમતાં યૌવનના કારણે ફેશન પરેડના દ્રશ્યો જોવા મળશે.

અગાસીઓને લોકોએ ખાણીપીણીની મહેફિલો અને ઉંધિયા પાર્ટી માટે તૈયાર કરી નાંખી છે. આજે છેલ્લી ઘડીએ મોંઘા ભાવે પણ લોકોએ દારુ ખરીદવા માટે ભારે દોડધામ કરી હતી. આજે અગાસીઓ પર ખાણી પીણીની મહેફિલો સાથે દારુની પણ ઠેર ઠેર મહેફિલો જામશે.

ઉત્તરાયણનો તહેવાર હવે લોકો માટે અનેક પ્રકારના તહેવારની ઉજવણી સમાન બની રહ્યો છે. લોકો ઉત્તરાયણના બંને દિવસ દિવાળીની યાદ અપાવે તે રીતે ફટાકડા ફોડીને ઉત્તરાયણને વિદાય આપશે. હોટલો અને રેસ્ટોરન્ટો,ખાણી પીણીની લારીઓ તથા ફરસાણની દુકાનો માટે આ બે દિવસ કમાણીના સાબિત થશે તો બીજી તરફ ઉત્તરાયણની ઉજવણીના માહોલના કારણે અન્ય તમામ વેપાર ધંધા લગભગ ઠપ્પ રહેશે.શહેરના રસ્તાઓ પર પણ પ્રમાણમાં ઓછી અવરજવર જોવા મળશે.

બીજી તરફ પતંગ ઉડાડવાની મોજ સાથે ફટાકડાની આતશબાજીનો ક્રેઝ પણ યુવા વર્ગમાં હોય તેથી રોશનીમય ફટાકડાઓની તથા ધાબા ઉપર રેડીમેડ નાસ્તાની મોજ માણી શકે તે માટે ફાસ્ટફુડના નાસ્તાઓની પણ ખરીદી ઉતરાયણના આ પર્વની પુર્વ સંઘ્યાએ રવિવારે બજારોમાં દ્રશ્યમાન થતી હતી. શહેરમાં આ પર્વને લઇને શેરડી, ચીકી તેમજ ગેસના ફુગ્ગાઓની ખરીદીમાં પણ તેજી જણાઇ હતી.

વડનગરનાં લોકો ૭૫ હજારનું ઉંધીયુ ઝાપટી જશે - ઐતિહાસીક અને સંગીત નગરી ગણાતા વડનગરમાં સ્વીટ માર્ટવાળા વેપારીઓ દ્વારા ઉત્તરાયણના પર્વ માટે એક હજારથી વધુ કિલો ઉંધીયુ તૈયાર કરાઇ રહ્યું છે. આ સ્વીટ માર્ટવાળા વેપારીએ જણાવ્યું હતું કે, પર્વની સવાર થતાં જ ઉંધીયાની ખરીદી શરૂ થશે અને દર વર્ષે નગરમાં અંદાજે રૂ. 75 હજારથી લાખનું ઉંધીયુ ખવાય છે. ઉલ્લેખનીય છે કે, વડનગરની પ્રખ્યાત માંજો પાયેલી દોરી ખરીદવા અમદાવાદ સહિત ગુજરાતમાંથી પતંગ રસિયાઓ રવિવારે ઉમટયા હતા.

ઓમ શાંતિ ઓમ સહિત રિમીકસ ગીતો ફેવરીટ રહેશે ઉત્તરાયણના દિવસે પતંગ અને દોરા સાથે સંગીતની મજા માણવાનો પણ પતંર રસિકોમાં ક્રેઝ વધતો જાય છે. આ માટે ટેપ તથા સીડીના તાલે પતંગરસિકો ધાબા ઉપર ઝુમી ઉઠે છે. આ અંગે ઓડિયો કેસેટ સીડીના વેપારીએ જણાવ્યું હતું કે પતંગરસિયાઓ ઉત્તરાયણમાં ગીત-સંગીતની ધૂનો સાથે અને આનંદની ચીચીયારીઓ તથા મનગમતા ગીતો સાથે પતંગ ઉડાડવાની મજા લુટતા હોય છે. આ વર્ષે પતંગ રસીયાઓ ઓમ શાંતિ ઓમ, ભુલ ભુલૈયા, સાવરિયા, વેલકમ સહિત રિમિકસ ગીતોની કેસેટો પતંગ રસિયાઓ ભાડેથી અને કેટલાક ખરીદીને લઇ ગયા છે.

પતંગની મજા સાથે સાવધાની જરૂરી -
ઉતરાયણના આનંદ ઉલ્લાસના આ પર્વમાં ખાસ કરીને હાની ન પહોંચે તે માટે આ ઉજવણી દરમિયાન સોમવારે આખો દિવસ ધાબા ઉપર સુર્ય પ્રકાશમાં રહેવાથી આંખમાં એલર્જી થતી હોય છે જેથી ચશ્મા પહેરવા હિતાવહ છે. જયારે સમયાંત્તરે ઉતરાયણના દિવસે આંખ માટે સ્ટીરોઇડના ટીંપા અસરકારક છે. સાથે સાથે પતંગ ઉડાવવામાં વિડીયો-ઓડિઓની પટ્ટીઓનો ઉપયોગ ન કરવો અને ખાસ કરીને મોટર સાઇકલ કે સ્કુટરના આગળના ભાગે નાના બાળકને લઇને આ પર્વના દિવસે મુસાફરી કરતા હોય ત્યારે પતંગની દોરી ગળાના ભાગ આગળથી પસાર થતા રકતવાહિનીને ગંભીર અસર થાય છે તે સમયે એકદમ વાહન થંભાવી દેવું અને અકસ્માતથી સાવધ રહેવું.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈ અનિચ્છીનય બનાવ ના બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ સાથે પરિસ્થિતિ પર નજર રાખશે.