શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

શ્રાધ્ધના લાભ

મહર્ષિ સુમન્તુએ શ્રાદ્ધથી થનાર લાભ વિશે જણાવ્યું છે કે સંસારમાં શ્રાધ્ધથી વધીને કોઇ બીજો મોટો કલ્યાણકારી માર્ગ નથી. તેથી બુધ્ધિમાન મનુષ્યએ પ્રયત્નપૂર્વક શ્રાધ્ધ કરવું જોઈએ. શ્રાધ્ધની આવશ્યકતા અને લાભ વિશે ઘણાં બધાં ઋષિ મુનિઓના પ્રવચન ગ્રંથોમાં મળે છે.

કર્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રાણી જે કોઇ પણ વિધિથી એકાગ્રચિત્ત થઈને શ્રાધ્ધ કરે છે તે બધા પાપોથી દૂર થઈને મુક્ત થઈ જાય છે અને ફરીથી સંસારના ચક્રમાં નથી આવતો.

ગરુડ પુરાણના અનુસાર પિતૃ પુજન (શ્રાધ્ધ કર્મ) થી સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કિર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશું, સુખ, ધન અને ધાન્ય આપે છે.

માર્કળ્ડેય પુરાણના અનુસાર શ્રાધ્ધથી તૃપ્ત થઈને પિતૃગણ શ્રાધ્ધકર્તાને દિર્ધાયું, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.

બ્રહ્મપુરાણના અનુસાર જે વ્યક્તિ મુશ્કેલીઓ વેઠીને પણ શ્રધ્ધા અને ભક્તિથી શ્રાધ્ધ કરે છે તેના કુળમાં કોઈ પણ દુ:ખી થતું નથી. સાથે સાથે બ્રહ્મપુરાણમાં વર્ણન છે કે શ્રધ્ધા અને વિશ્વાસથી કરાયેલ શ્રાધ્ધમાં પિળ્ડો પર પડેલ પાણીના નાના નાના ટીંપાથી પશુ પક્ષીઓની યોનીમાં પડેલ પિતૃઓનું પોષણ કરે છે. જે કુળમાં કોઇ વ્યક્તિ બાલ્યવસ્થામાં જ મૃત્યું પામ્યાં હોય તે સમ્મર્જનના જળથી તૃપ્ત થઈ જાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર શ્રધ્ધાયુક્ત થઈને શ્રાધ્ધ કરવાથી પિતૃગણ જ તૃપ્ત નથી થતાં પરંતુ બ્રહ્મા, ઇંન્દ્ર, રુદ્ર, બંન્ને અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, અષ્ટવસું, વાયું, વિશ્વેદેવ, ઋષિ, મનુષ્ય, પશું-પક્ષી અને બધા જ પ્રાણીઓ પણ તૃપ્ત થાય છે.

હેમાદ્રિ નાગરખંડના અનુસાર એક દિવસના શ્રાધ્ધથી જ પિતૃગણ આખા વર્ષ માટે સંતુષ્ટ થઈ જાય છે આ નિશ્ચિત છે.

યમસ્મૃતિ અનુસાર જે લોકો દેવતા, બ્રાહ્મણ, અગ્નિ, અને પિતૃગણની પૂજા કરે છે તે બધાની અંતરાત્મામાં રહેનાર વિષ્ણુંની પણ પૂજા કરે છે.

દેવસ્મૃતિ અનુસાર શ્રાધ્ધની ઇચ્છા કરનાર પ્રાણી નિરોગી, સ્વસ્થ, દિર્ધાયું, યોગ્ય સંતાનવાળો, ધનવાન અને ધનોપાર્જક હોય છે. શ્રાધ્ધ કરનાર મનુષ્ય જુદા જુદા સારા લોકો પ્રાપ્ત કરે છે પરલોકમાં સંતોષ પ્રાપ્ત કરે છે અને પૂર્ણ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે.

અત્રિસંહિતાના અનુસાર પુત્ર, ભાઈ, પૌત્ર અથવા દૌહિત્ર વગેરે જો પિતૃકાર્યમાં એટલે કે શ્રાધ્ધાનુષ્ઠાનમાં હાજર રહે તો અવશ્ય પરમગતિને પામે છે.

આ સિવાય પણ ઘણાં વેદો, પુરાણો, ધર્મગ્રંથોમાં શ્રાધ્ધની મહત્તા તેમજ તેના લાભનો ઉલ્લેખ મળે છે. ઉપરયુક્ત પ્રમાણોથી સ્પષ્ટ થાય છે કે શ્રાધ્ધ ફળથી ફક્ત પિતૃઓની જ તૃપ્તિ નથી થતી પરંતુ આનાથી શ્રાધ્ધકર્તાઓને પણ ફળની વિશિષ્ટ પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે આખા વર્ષ દરમિયાન પિતૃઓની મૃત્યુંતિથીને સર્વસુલભ જળ, તલ, યવ, કુશ અને પુષ્પ વગેરેથી તેમનું શ્રાધ્ધ સંપન્ન કરવું અને ગાયને ઘાસ આપીને પોતાની યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવી દેવાથી જ ઋણ ઉતરી જાય છે.