શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. શ્રાવણ મહિનો
Written By વેબ દુનિયા|

શ્રાવણ વિશેષ : આસ્થા અને સાહસનું બીજુ નામ છે અમરનાથ યાત્રા

શ્રદ્ધાની રોમાંચક યાત્રા એટલે અમરનાથ યાત્રા. સમુદ્રતળેટીથી 14500 ફૂટની ઊંચાઈ પર વિશાળ પ્રાકૃતિક ગુફાના રૂપમાં સ્થિત છે આ તીર્થ. આ ગુફામાં ભગવાન શિવ હિમલિંગના રૂપમાં આકાર લે છે. દર શ્રાવણ માસમાં આ હિમ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. અમરનાથનો સંબંધ અમરત્વ પ્રાપ્ત કરવાની કથા સાથે છે. માન્યતા છે કે એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને અમરકથા સંભળાવાનો આગ્રહ કર્યો. કથા તેઓ એવા સ્થાન પર સંભળાવવા ઇચ્છતા હતા જ્યાં અન્ય કોઇ તે સાંભળી ન શકે. આના માટે માટે તેમણે પોતાના ત્રિશુળથી એક પર્વતમાં વાર કરી ગુફાનું રૂપ આપ્યું અને ત્યાં જ બેસીને અમરકથા સંભળાવવાની શરૂ કરી. શિવ-પાર્વતીના પ્રસ્થાન બાદ આ પવિત્ર ગુફા અમરેશ્વર કે અમરનાથ તરીકે ઓળખાવા લાગી. દર વર્ષે શ્રાવણમાં શિવ પોતાના ભક્તોને પ્રતીક રૂપે અહીં દર્શન આપે છે. અહીં પ્રાકૃતિક રૂપે બરફનું શિવલિંગ બને છે.
P.R

છડી મુબારક યાત્રા - અમરનાથ યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહે છે . કથા છે કે સૌથી પહેલા મરહ્રિષ ભૃગુએ અહીં શ્રાવણ પૂર્ણિમાના રોજ પવિત્ર હિમલિંગના દર્શન કર્યા હતા. તેમણે એ જ દિવસે પોતાના એક શિષ્યને પ્રહરીના રૂપમાં છડી સહિત અહીં મોકલ્યો હતો. માટે આજે પણ અહીં છડી લાવવાની પરંપરા છે. દરવર્ષે અહીં શ્રાવણમાં ઋષિ-મુની, સાધુ-સંતો છડી લઇને આવે છે. પહેલગામથી અમરનાથ ગુફાનું અંતર 56 કિલોમીટરનું છે. 16 કિલોમીટર દૂર ચંદનવાડી સુધી યાત્રી જીપ દ્વારા પહોંચી શકે છે. આગળની યાત્રા પગપાળા કરવાની હોય છે. ઇચ્છો તો પહેલગામથી ઘોડાની વ્યવસ્થા કરી શકો છો.

દુર્ગમ પિસ્સુ ખીણ - ચંદનવાડી પ્રાકૃતિક છટાથી ભરપુર સુંદર સ્થળ છે. આનું પ્રાચીન નામ સ્થાનુ આશ્રમ હતું. એકવાર ભગવાન શિવે અહીં તપ કર્યું હતું. બે કિલોમીટર આગળ પિસ્સુ ખીણ નામનું દુર્ગમ સ્થળ આવે છે. આનું વાસ્તવિક નામ પૌષાખ્ય હતું. અહીં એક સમયે દેવાસુર સંગ્રામ થયો હતો. આનાથી આગળ કેટલાંક હિમક્ષેત્રો આવે છે જેને પાર કરીને શેષનાગ પહોંચી શકાય છે. અહીં એક પવિત્ર સરોવર છે. તેનું પ્રાચીન નામ શિશ્રમનાગ હતું. યાત્રાનો પહેલો રાત્રિ પડાવ આ જ છે.

પંજતરણી તરફ - રાતના વિશ્રામ બાદ પંજતરણી તરફ આગળ વધવાનું હોય છે. લગભગ 3 કિમીના સખત ચઢાણ બાદ મહાગુનસ નામનું સ્થાન આવે છે. આ આ યાત્રાનો સૌથી ઊંચો પોઇન્ટ છે. વધુ ઊંચાઈના લીધે અહીં મોટેભાગે બરફનું સામ્રાજ્ય દેખાય છે. કેટલાંક લોકોને અહીં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જોકે અહીંનું નૈસર્ગિક સૌંદર્ય તેમને મોટી રાહત આપે છે. અહીંના ઊંચા-નીચા પથરાળ માર્ગો પર વધતા શ્રદ્ધાળુઓ પહેલા પંજતરણી પહોંચે છે. અહીં રાત્રિ આવાસની વ્યવસ્થા છે. અહીં વહેતી નદીની પાંચ ધારાઓને લીધે તેનું નામ પંચતરણી પડ્યું હતું.

અમરનાથ ગુફા - અહીંથી પવિત્ર અમરનાથ ગુફાનું અંતર છ કિમીનું છે જેના માટે યાત્રીઓ સવારે જલ્દી ઉઠીને નીકળી પડે છે. લગભગ ત્રણ કલાકમાં ગુફા નજીક પહોંચી જાય છે જ્યાં ભક્તોની કતારો લાગેલી હોય છે. વિશાળ ગુફાના રૂપમાં પોતાની મંજિલને સામે જોઇને જ જાણે તેમનો થાક દૂર થઇ જાય છે. ગુફામાં પ્રવેશ કરીને શ્રદ્ધાળુઓ પારદર્શી હિમલિંગના દર્શન કરે છે ત્યારે તેમને કઠણ યાત્રા રૂપી સાધના પૂર્ણ થયાનો અહેસાસ થાય છે. પવિત્ર શિવલિંગની સાથે જ બીજા બે હિમપિંડ દેખાય છે. આ બંનેને પાર્વતી અને ગણેશ માનવામાં આવે છે. અમરનાથ ગુફા લગભગ 30 ફૂટ પહોળી અને 15 ફૂટ કરતા વધુ ઊંચી છે. ગુફાની ગહનતા 50 ફૂટની આસપાસ છે. ગુફાની છત પરથી પડતી પાણીની બુંદો જામવાથી અહીં હિમલિંગ બને છે. આ સ્વનિર્મિત શિવલિંગ ચંદ્રમાના આકાર સાથે વધતં શ્રાવણની પૂનમના રોજ પોતાની પૂર્ણતા મેળવે છે. માટે જ પૂર્ણિમાના દિવસે દર્શનનું વધુ મહત્વ છે.

ગુફાના એક હિસ્સામાં સફેદ રેત નીકળે છે. તેને અમર વિભૂતિ માનીને માથા પર લગાવવામાં આવે છે. પોતાના આરાધ્ય સમક્ષ ઉભેલા ભક્તોની શ્રદ્ધા જોઇને જાણે એવું જ લાગે કે શિવ તેમને સાક્ષાત દર્શન આપી રહ્યાં છે.