ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા, પિતાએ લાઇસન્સી રિવોલ્વરથી ત્રણ ગોળી મારી
ગુરુવારે હરિયાણાના ગુરુગ્રામમાં રાજ્ય સ્તરના ટેનિસ ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટેનિસ ખેલાડીના પિતાએ પોતાની લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલમાંથી ત્રણ ગોળીઓ મારીને પોતાની પુત્રીની હત્યા કરી હતી. મૃતક ખેલાડીની ઓળખ રાધિકા યાદવ તરીકે થઈ છે. તે રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી હતી. આ ઘટના ટેનિસ ખેલાડીના ઘરમાં જ બની હતી. સુશાંત લોક ફેઝ 2 ના જી બ્લોકમાં આવેલા પોતાના ઘરમાં પિતાએ પોતાની પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે હત્યાના આરોપી પિતાની ધરપકડ કરી છે અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુરુવારે સવારે લગભગ 1O.3૦ વાગ્યે, 25 વર્ષીય ટેનિસ ખેલાડીના પિતાએ તેમની પુત્રીને ગોળી મારી દીધી. ટેનિસ ખેલાડી તેના પરિવાર સાથે સેક્ટર 57માં પહેલા માળે રહેતી હતી. ત્રણ ગોળી વાગ્યા બાદ, રાધિકાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાધિકા ટેનિસ એકેડેમી ચલાવતી હતી
રાધિકા એક જાણીતી રાજ્ય કક્ષાની ખેલાડી હતી. તેણીએ ઘણા મેડલ જીત્યા હતા. તે એક ટેનિસ એકેડેમી પણ ચલાવતી હતી, જ્યાં તે અન્ય બાળકોને ટેનિસ શીખવતી હતી. ટેનિસ ખેલાડીની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. ગુરુગ્રામ સેક્ટર ૫૬ના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને ગુરુવારે સવારે માહિતી મળી હતી કે 25 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ છોકરીના કાકા સાથે વાત કરી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. ઘટનાસ્થળે જ પોલીસને ખબર પડી કે છોકરીના પિતાએ તેને ગોળી મારી છે. મહિલાને ત્રણ ગોળી વાગી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી રિવોલ્વર કબજે કરી છે.