ગુજરાતીઓ ઉત્તરાયણનાં દિવસે બીજી 'દિવાળી' ઉજવે છે

P.R


એ કાપ્યો છે.. અને લપેટની ચીચીયારીઓથી વહેલી સવારથી અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. પતંગ અને દોરીના પેચ લડાવવાના આ તહેવારની સાથે સાથે જ ચટકાના શોખીન અમદાવાદીઓ ધાબા પર જ ઉંધિયા-જલેબીની જયાફત માણશે. દિવસભર ડીજે અને મ્યુઝિક સિસ્ટમના તાલે ઝૂમી સાંજ પડતાં જ ધાબા પર આતશબાજીના કારણે ઉત્તરાયણમાં પણ દિવાળી જેવો માહોલ બની જાય છે.

ઉત્તરાયણના ઉત્સવમાં પતંગ અને દોરીના વેપારીઓ અઢળક કમાઈ લેતા હશે એ ચોક્કસ, પરંતુ સાથે ફટાકડાના વેપારીઓને પણ સારી એવી કમાણી થાય છે. મોડી સાંજે પતંગ ચગાવીને થાકેલા શૂરવીરો ફટાકડાથી આકાશમાં છવાઈ જાય છે. ઉત્તરાયણમાં આતશબાજી કરવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધી રહ્યું છે.

ફટાકડા બજારના વિશેષજ્ઞોના મતે ઉત્તરાયણની સાંજે શહેરમાં ચારથી પાંચ લાખના ફટાકડા વેચાતા હોય છે. શહેરના વિવિધ વિસ્તારમાં ફટાકડાની નોંધપાત્ર કહી શકાય તેવી હોલસેલ અને બારે માસ ફટાકડા મળી શકે તેવી ૨૦૦ જેટલી દુકાનોમાં ઉત્તરાયણના દિવસે બપોરે ચારથી છના સુમારે પ્રત્યેક દુકાને રૂ.૨૦૦૦૦ના ફટાકડાનું વેચાણ થતું હોય છે.

વેબ દુનિયા|
આ અંગે વાત કરતાં કમલેશભાઈએ જણાવ્યું કે,‘લોકો ઉત્તરાયણને આગલે દિવસે નહીં પણ ઉત્તરાયણના દિવસે જ ફટાકડાની ખરીદી કરતા હોય છે. બપોરે આ ખરીદી થતી હોય છે. લોકોને આતશબાજીમાં અને નાની કોઠીની ખરીદીમાં વધારે રસ પડે છે. ધાબા પર જ ફટાકડા ફોડવાના હોય એટલે બોમ્બ વગેરે લોકો બહુ નથી ખરીદતા. તેઓ આકાશમાં જઈને ફૂટતા ફટાકડા, રોકેટ્સ અને કોઠી વગેરે ખરીદવાનું વધારે પસંદ કરે છે.’


આ પણ વાંચો :