ઉત્તરાયણમાં કેટલાંય નજરોનાં પેચ લડાવશે, કેટલાંય કપાશે, કેટલાંય લપેટાશે

kite festival
Last Modified મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (15:54 IST)
સુરતની ઉત્તરાયણ દેશભરમાં જાણીતી છે. અત્રે ધાબા પર પતંગની મજાની સાથે ખાણી-પીણીનો જલસો કરી સુરતીલાલા રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. જોકે, પતંગ અને ખાણી-પીણી જલસા વચ્ચે સુરતી ઉત્તરાયણ રોમેન્ટિક લવસ્ટોરી માટે પણ જાણીતી છે. ઉત્તરાયણમાં નીલગગનમાં પતંગના પેચ લાગતા હોય છે તો ધાબા પર બે દિલોના પેચ (મેળાપ) લાગતા હોય છે. ધાબા પર એક તરફ પંતગરસિકો 'કાઇપો...છે, કાઇપો...છે 'ની બૂમાબૂમ કરતા હોય છે, મોજીલા સુરતીલાલાઓ ખાણી-પીણીની મજા માણતા હોય છે તો બીજી તરફ ચૂપકે ચૂપકે યુવા હૈયાઓના દિલ મળતા હોય છે. કોટવિસ્તાર અનેે રાંદેર-અડાજણ વિસ્તારના એવા ઘણા ધાબા-અગાશી છે કે જ્યાં પ્રેમના બીજ વવાઇ ચૂક્યા છે. આ ધાબાઓ પર જ બે યુવા દિલોની આંખ મળી, પ્રેમ થયો અને બાદમાં જીવનભરના સાથી બની ગયા. શહેરના આવા ઘણા યુગલો છે કે જેઓ માટે ઉત્તરાયણ પર્વ 'લવ' પર્વ સાબિત થયો છે.

ડીજે, ડાન્સ સાથે સુરતમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થાય છે ત્યારે કલરફૂલ પતંગો અને રોમેન્ટિક સોંગના સથવારે યુવા હૈયાઓ આંખો અને દિલના પેચ લગાવતા હોય છે. દૂરબીનથી આંખના પેચ લડાવાય છે તો અવનવી કોમેન્ટ કરી સામેના પાત્રને ઇમ્પ્રેસ કરવાના આઇડિયા પણ અજમાવાય છે. જેને કારણે અગાસીનો માહોલ રંગીન અને ફૂલગુલાબી બને છે.

ઉત્તરાયણમાં એપાર્ટમેન્ટની અગાસી પર પતંગ-શો ને બદલે ફેશન-શો યોજાતો હોય તેમ યંગસ્ટર્સ સ્ટાઇલિસ્ટ કપડાં પહેરીને ઇમ્પ્રેસન જમાવે છે. યુવકોની સાથે યુવતીઓ પણ ફેશનેબલ-સ્ટાઇલિસ્ટ વેસ્ટર્ન ડ્રેસિંગથી ધાબા પર છવાઇ જવાના પ્રયાસો કરે છે. પતંગ ચગાવવાની વાત તો દૂર રહી અત્રે ડ્રેસિંગમાં કોણ છવાઇ જશે તેની હરીફાઇ જામે છે.


અગાસી પર યંગસ્ટર્સ-કોલેજિયન યુવકો પોતાની ગર્લફ્રેન્ડને પટાવવા અવનવા નુસખા અજમાવતા હોય છે. ગર્લફ્રેન્ડ અંગે પતંગના કોડવર્ડમાં વાતો કરી મિત્રો સાથે મજાક-મસ્તી કરે છે. ગર્લફ્રેન્ડની ડ્રેસિંગ-પર્સનાલિટીના આધારે લાલ પતંગ, ભૂરી પતંગ, પીળી પતંગ, નવરંગી પતંગ, ચાઇનીઝ પતંગ, ઇન્ડિયન પતંગ, વગેરે જેવી કોડ લેંગ્વેજમાં વાતો કરી મજા લૂંટે છે.

શહેરના સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટના વિક્રેતા ભરત પટેલને પણ ઉત્તરાયણ પર્વ ફળ્યો હતો. બિલિમોરા ખાતે રહેતા ભરતભાઇએ જણાવ્યું કે, સુરતમાં ઉત્તરાયણની શાનદાર ઉજવણી થતી હોય છ વર્ષ પહેલાં ગોપીપુરા કાજીના મેદાન ખાતે સ્મિતા એપાર્ટમેન્ટમાં રહેતા મિત્રને ત્યાં ઉત્તરાયણ મનાવવા ગયા હતા. જ્યાં અગાસી પર પતંગ-પતંગ ચગાવતા એપાર્ટમેન્ટમાં જ રહેતી નીશા સાથે નજરના પેચ લાગી ગયા અને અમે બંને પ્રેમમાં લપેટાઇ ગયા હતા. આ સમયે મારો પતંગ કપાઇ ગયો અને કોઇકે લપેટ....લપેટ..ની બૂમ પાડી તો અમે બંને શરમાઇ ગયા હતા. પ્રથમ નજરથી થયેલા પ્રેમની યાદો તાજી કરવા અમે દર વર્ષે સ્મિતા એપા.માં ઉત્તરાયણ મનાવવા જઇએ છીએ.

ખટોદરાની જાણીતી મોટર્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પંકજ ગાજરેને પણ ઉત્તરાયણ પર્વમાં જ જીવનસંગિની મળી હતી. પંકજે જણાવ્યું કે, એમટીબી કોલેજમાં અભ્યાસ વેળા તે હેમાંગિનીને એકતરફી પ્રેમ કરતો હતો. તે પોતાના દિલની વાત વ્યક્ત કરી શકતો ન હતો. છ-સાત મહિના છાનગપતિયાં ચાલ્યા અને બાદમાં કોલેજનો કાઇટ ફેસ્ટિવલ તેના માટે લવ પર્વ બનીને આવ્યો હતો. કોલેજમાં પતંગ ચગાવતાં-ચગાવતાં તેઓેની આંખો મળી ગઇ, પ્રેમ થયો અને બાદમાં જીવનસાથી બની ગયા હતા. હાલ તેઓને અઢી વર્ષનો એક પુત્ર પણ છે.
આ પણ વાંચો :