શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: બુધવાર, 3 ડિસેમ્બર 2014 (16:40 IST)

ઉત્તરાયણ રર ડિસેમ્‍બરે અને મકરસંક્રંતિ ર૦ જાન્‍યુઆરીએ, પતંગ તો ૧૪ જાન્‍યુઆરીએ જ ચડશે

વર્ષોથી આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એકજ તહેવાર માનતા આવ્‍યા છીએ અને એની ઉજવણી ૧૪ કે ૧પ જાન્‍યુઆરીએ કરીએ છીએ, પરંતુ આ વિશે ફોડ પાડતા ખગોળવિજ્ઞાની ડો. જે.જે. રાવલે કહ્યું કે ‘હકીકતમાં એ બન્ને જુદી-જુદી ખગોળીયા ઘટનાઓ છે. ઉત્તરાયણ ર૧ કે રર ડિસેમ્‍બરે જ થાય અને સુર્યની સંક્રાંતિ તો દર મહિને થાય છે, પરંતુ આપણે એને ઉત્તરાયણ માનીને વળગી રહ્યા છીએ. આ વર્ષે ઉત્તરાયણ રર ડિસેમ્‍બર છે અને મકરસંક્રંતિ ર૦ જાન્‍યુઆરીએ છે.

      ઉત્તરાયણ કોને કહેવાય એ વિશે સમજ આપતા ડો. રાવલે કહ્યું હતું કે સાાદી ભાષામાં કહીએ તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સુર્યનું દક્ષિણ તરફની ગતિમાંથી ઉત્તર તરફનું પ્રયાણ એટલે ઉત્તરાયણ આ પ્રયાણ દર વર્ષે ર૧ કે રર ડિસેમ્‍બરે થવાનું કારણ પૃથ્‍વીની ઝૂકેલી ધરી છે. લગભગ ર૦૦૦ વર્ષ પહેલાં ઉત્તરાયણ વખતે સુર્ય મકર રાશિમાં પ્રવેશતો એથી પહેલા વિદ્વાનો અને પછી લોકો ઉત્તરાયણને મકરસંક્રાતિ કહેવા લાગ્‍યા, જે આજ સુધી ચાલ્‍યું છે. અગાઉ પૃથ્‍વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ભયંકર ઠંડીમાં ઠુંઠવાતા એથી સુર્યના કિરણો ઉત્તર દિશા તરફ આવે એની પ્રતીક્ષા લોકો કરતા અને તહેવારની જેમ ઉજવવાનું શરૂ કર્યુ હતું. ઉત્તરાયણ તેમના માટે મોટો તહેવાર હતો અને આજે પણ પૃથ્‍વીના આ પ્રદેશોમાં એનું એટલું જ મહત્ત્વ છે. ઉત્તરાયણ પછી વસંતસંપાત થાય અને સુર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે ત્‍યારે વસંત ઋતુનું આગમન થાય છે. સૂર્ય સાથે મળીને પ્રકૃતિ પૃથ્‍વીને નંદનવન બનાવે એથી લોક ઉત્તરાયણની રાહ જોતા.

      બીજી તરફ મકરસંક્રાંતિ કોને કહેવાય એ વિશે બોલતા ડો. જે.જે.રાવલે કહ્યું હતું, ‘લગભગ ર૦૦૦ વર્ષપહેલા મકરસંક્રાંતિ ઉત્તરાયણ સાથે જ થતી અને આપણે હજીય એને પકડીને બેસી ગયા છીએ, જેખગોળ વિશેનું આપણું અજ્ઞાન છે. પૃથ્‍વીની કાલ્‍પનીક ધરીને ધ્‍યાનમાં લઇએ તો ખગોળીય રીતે પૃથ્‍વીની હાલકડોલક ગતિના કારણે વસતસંપાત બિંદુ પશ્ચિમ તરફ સરકે છે એના કારણે પૃથ્‍વી પરથી અવકાશમાં દેખાતું આખું રાશિચક્ર પશ્ચિમ તરફ સરકે છે અને ઋતુઓ પાછી પડવાના કારણે મકરસંક્રાતિ અને ઉત્તરાયણ અલગ પડતી જાય છે. આની ગણતરી પ્રમાણે વસંતસંપાત એટલે કે મકરસંક્રાંતિ દર ૭ર વર્ષે એક ડિગ્રી પશ્ચિમ તરફ સરકતી હોવાથી મકરસંક્રાંતિ ચલાયમાન છ, પણ ઉત્તરાયણ તો ર૧ કે રર ડિસેમ્‍બર અચળ છે. આ રીતે બે હજાર વર્ષમાં ઉત્તરાયણ અને મકરસંક્રાંતી દુર થતા-થતા મકરસંક્રાંતિ ર૩,ર૪,રપ ડિસેમ્‍બર અને પછી ૧૪ જાન્‍યુઆરીએ પહોંચી હતી ત્‍યારથી આપણે આ ઠુંઠુ પકડી રાખ્‍યું છે, પરંતુ હવે એ ૧૪ કે ૧પ જાન્‍યુઆરીએ નહી ર૦ જાન્‍યુઆરીએ થાય છે.

      મકરસંક્રાંતિ ખસવાનું ચક્ર રપ,૬૦૦ વર્ષનું છે. એથી આ ગણતરી પ્રમાણે હવે ર૩,૬૦૦ વર્ષ પછી ફરીથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકસાથે એટલે કે ર૧ કે રર ડિસેમ્‍બરે આવશે. ૧૪ જાન્‍યુઆરીએ પતંગના પેચ લડાવવા અને ચીકી, પોંક કે લીલવા કચોરીનો આસ્‍વાદ માણવામાં કંઇ ખોટુ નથી, પરંતુ ઉત્‍સવપ્રિય ભારતની જનતાની નવી પેઢીને કમસેકમ આ ખગોળીય ઘટનાની સાચી જાણકારી તો મળવી જ જોઇએ