'વેલેન્ટાઈન્સ ડે'ની અજાણી વાતો
• વેલેન્ટાઈન નામના સંત પરથી 'વેલેન્ટાઈન્સ ડે'નું નામકરણ થયું છે પણ હકીકતે વેલેન્ટાઈન નામના ત્રણ સંત હતા. એક પાદરી હતા. એક બિશપ હતા અને સૌથી ઓછા જાણીતા છે તેવા એક વેલેન્ટાઈનને શહીદ તરીકે પણ યાદ કરવામાં આવે છે. પાદરી અને બિશપ વેલેન્ટાઈનની દંતકથા એકમેક સાથે એટલી સંકળાયેલી અને ઓતપ્રોત છે કે કોના નામ પર તહેવાર ઊજવાય છે તે કહેવું મુશ્કેલ છે.
• એક એવી લોકવાયકા છે કે સંત વેલેન્ટાઇન પોતે જેલરની દીકરીને પ્રેમ કરતા હતા અને રાજા ક્લાઉડિયસ બીજા દ્વારા તેમની હત્યા થઈ તે અગાઉ પહેલો વેલેન્ટાઈન સંદેશ તેમણે કાગળ પર લખીને મોકલ્યો હતો. • દુનિયામાં વેલેન્ટાઈન્સ ડેનો સંદેશ મેળવનારા લોકોમાં શિક્ષકોની સંખ્યા સૌથી વધારે હોય છે.
• છ વર્ષથી ૧૦ વર્ષની ઉંમરનાં આશરે ૬૫૦ મિલિયન બાળકો એકબીજાને વેલન્ટાઈન્સ કાર્ડ આપે છે.
• શેક્સપિયરની પ્રખ્યાત કથા રોમિયો અને જુલિયેટ આજે પણ એટલી લોકપ્રિય છે કે દર વર્ષે વેરોના શહેરમાં આશરે ૧૦૦૦ જેટલાં વેલેન્ટાઈન્સ કાર્ડ જુલિયેટના નામથી આવે છે. કોઈ કાલ્પનિક પાત્રને સાચું માની લોકો વેલેન્ટાઈન્સ કાર્ડ મોકલતા હોય તેવું આ એકમાત્ર પાત્ર છે.
• વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીમાં અનેક પ્રકારની માન્યતાઓ પણ છે. જેમ કે, એવં માનવામાં આવે છે કે જો વેલેન્ટાઈન્સ ડેના દિવસે કોઈ સ્ત્રીને ફ્લાઈંગ રોબિન (લાલ રંગની એક ચકલી) દેખાય તો તેનાં લગ્ન ખલાસી સાથે થશે. જો તેને સાદી ચકલી દેખાય તો તેનાં લગ્ન ગરીબ સાથે થશે તથા તે ખુશ જીવન જીવશે. જો તેને ગોલ્ડ ફિન્ચ (પીળા રંગની ચકલી) દેખાય તો તેનાં લગ્ન ધનકુબેર સાથે થશે.
• અલ કપિનો નામના અમેરિકન ગેંગસ્ટરે પોતાની સામેવાળી ગેંગના તમામ સભ્યોની હત્યા માટે વેલેન્ટાઈન્સ ડે પસંદ કર્યો હતો. ૧૯૨૯માં થયેલા આ હત્યાકાંડ બાબતે જોકે તેને પુરાવાના અભાવે દોષી ઠેરવી શકાયો ન હતો.
• દુનિયામાં આશરે કરોડ જેટલાં પ્રાણીઓને પાળનારા લોકો વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે તેમનાં પ્રાણીઓ માટે ખાસ ગિફ્ટ ખરીદે છે.
• એક અભ્યાસ મુજબ આશરે ૧૫ ટકા જેટલી અમેરિકન મહિલાઓ પોતે જ પોતાના માટે ફૂલો મોકલે છે.
• ૧૫૩૭માં ઈંગ્લેન્ડના રાજા હેનરી સાતમાએ પહેલી વાર સત્તાવાર રીતે વેલેન્ટાઈન્સ ડેની રજા જાહેર કરી હતી.
• એક જ દિવસે અમેરિકામાં આશરે એક બિલિયન ડોલરની ચોકલેટ વેચાય છે.• હાલમાં ચોકલેટની પ્રખ્યાત કંપની કેડબરીએ છેક ૧૮૬૮માં વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ખાસ ચોકલેટનું બોક્સ લોન્ચ કર્યું હતું.