Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (13:45 IST)
વાઈબ્રન્ટ ગુજરાતમાં નેતાઓને અંગ્રેજી ભાષા હેરાન કરશે. મોટા ભાગના મંત્રીઓને અંગ્રેજી નથી આવડતું
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રૃપાણી સરકાર એકશન મોડમાં આવી ગઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી-અધિકારીઓનો બેઠકો દોર ધમધમી રહ્યો છે. વૈશ્ચિવક કક્ષા સમક્ષક ગ્લોબલ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનરના સીઇઓ,રાજદૂત,ડેલિગેટ્સ ઉપરાંત નોબલ પ્રાઇઝ વિજેતા ઉપસ્થિત રહેશે ત્યારે ભાજપના મંત્રીઓને અંગ્રેજી ભાષા નડી શકે છે કેમ કે, વાયબ્રન્ટ ગુજરાતમાં હોસ્પિટાલિટી,બિઝનેસમેનો સાથેની વન ટુ વન મિટીંગ સહિતની જવાબદારી ભાજપ સરકારના ધો.૧૦ પાસ અને અંડરગ્રેજયુએટ મંત્રીઓને સોંપાઇ છે. હવે ટોપ ક્લાસ બિઝમેનમેન,રાજદૂત સહિત વિશ્વ કક્ષાની જાણીતી કંપનીઓના સીઇઓ સાથે કેવી રીતે વાત કરવી એ પણ આ મંત્રીઓ માટે પ્રશ્નાર્થ સર્જાયો છે. સૂત્રોનું કહેવું છે કે, આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બે દેશોના રાષ્ટ્રપ્રમુખ, બે દેશોના વડાપ્રધાન, બે ડેપ્યુટી વડાપ્રધાન સહિતના મહાનુભાવો હાજરી આપવાનાં છે. વાઇબ્રન્ટ ગુજરાત માટે રૃપાણી સરકારના મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી છે જેની વહેંચણી પણ રસપ્રદ બની રહી છે કેમ કે, કેબિનેટ મંત્રી દિલિપ ઠાકોર જે જૂની એસએસસી પાસ છે પણ તેમને બિઝનેસ મેનોની વન ટુ વન મિટીંગની કામગીરી સોંપવામાં આવી છે. ગ્લોબલ ટ્રેડ શોમાં પણ દેશવિદેશના બિઝનેસમેનો હાજરી આપવાના છે તેની સઘળી કામગીરી ધો. ૫ પાસ મંત્રી નાનુ વાનાણીને સોંપાઇ છે. નોબેલ પ્રાઇઝ વિજેતા કે સાંભળવા પણ એક અનેરો લહાવો છે જેના હાઇફાઇ વિષયને આઇએસ અધિકારી પણ સમજી ન શકે તે સમગ્ર કામગીરીનો ભાર બી.કોમ.પાસ મંત્રી ચિમન સાપરિયાને સુપરત કરાઇ છે. ૧૨ દેશોના કન્ટ્રી પાર્ટનર બન્યાં છે જેના સેમિનારો જવાબદારી અંડર ગ્રેજ્યુએટ મંત્રી બચુ ખાબડને સોંપાઇ છે. ધો.૪ પાસ મંત્રી વલ્લભ કાકડિયાને પ્રોટોકોલ-ટ્રાન્સપોર્ટની કામગીરીનો ભાર અપાયો છે. એસ.વાય.બી.એ પાસ અંડર ગ્રેજયુએટ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ઇવેન્ટ મેેેનેજમેન્ટ-મિડિયાની જવાબદારી અદા કરવા કહેવાયું છે જયારે આરોગ્યમંત્રી શંકર ચૌધરી જે એમબીએ પાસ છ પણ તેમની ડીગ્રી ખોટી છે તેવો વિવાદ ચાલી રહ્યો છે તેમને પણ નોબલ પ્રાઇઝ વિજેતાના લેક્ચરની જવાબદારી અપાઇ છે. એવી ચર્ચા છેકે, વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશના મહાનુભાવોને કેવી રીતે આવકારવા, હાવભાવ કેવા રાખવા તે માટે ઘણાં મંત્રીઓએ પાઠ શિખ્યાં છે . ઘણાં મંત્રીએ સમિટ પુરતુ માન જળવાઇ રહે તે માટે ઇગ્લીંશ સ્પિકીંગ શિખવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, ડિઝાઇનર વસ્ત્રોને પણ આખરી ઓપ આપ્યો છે. મંત્રીને અંગ્રેજી ભાષા નડે માટે દરેક મંત્રીને એક સચિવ સાથે રખાયાં છે. એરપોર્ટથી માંડીને મહાત્મા મંદિરમાં દેશવિદેશના આમંત્રિતો,મહાનુભાવો સાથે પણ માત્ર આવકાર આપવા કે ઓળખાણ આપવા પુરતી ય વાત કરવી એ મંત્રીઓ માટે કોયડારૃપ બન્યું છે.