નારી સ્વાતંત્રતાની ફકત વાતો જ-ઇલાબેન
શું આજે ભારતમાં સ્ત્રી સુરક્ષિત છે..? - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
એક જાણીતા સાહિત્યકાર અને બિઝનેસ વુમન ઇલાબેન શાહના મતે મહિલા દિવસ ઉજવાય તે એક સીમા સુધી સારી વાત છે, પણ સ્ત્રી મુકિતની માત્ર વાતો જ નહી, તેનું અમલીકરણ થાય તે અત્યંત જરૂરી છે.પોલીસી મેકિંગમાં સ્ત્રીને તક મળે, એવી નીતિઓ ઘડાય જે વધુ માનવીય હોય, વધુ ન્યાયી હોય. જેમાં સમાનતા અને સ્વતંત્રતાનો મંત્ર સમાયેલો હોય. તેમના મતે આજે સ્ત્રી વધુને વધુ અસુરક્ષિત બની રહી છે. પછી ભલે તે 2 વર્ષની બાળકી હોય કે 75 વર્ષની વૃદ્ધા.સ્ત્રીના સંઘર્ષોવધુને વધુ અઘરા બની રહ્યા છે. એક તરફથી જયાં સરકાર તરફથી આર્થિક અનુદાનોની જૉગવાઈ વધી રહી છે, ત્યાં બીજી તરફ ગુજરાતમાં નારીના જાતિય શોષણની અનેક ઘટનાઓ બહાર આવતી જાય છે. જે ગુજરાતમાં સ્ત્રી સૌથી વધારે સુરક્ષિત મનાતી હતી, તે જ ગુજરાતમાં આજે સ્ત્રી વધુ ને વધુ અસુરક્ષિત બની રહી છે.સ્ત્રી મુકિતના નામનું આભામંડળ ગણીગાંઠી મહિલાઓ સુધી જ પહોંચ્યું છે. ગામડાની સ્ત્રી તેનાથી સદંતર વંચિત છે. સ્ત્રી જાગૃતિના પ્રશ્નો નિવારવા માટે સમાજીક પરિવર્તન ઘણું જ ધીમું છે. શહેર અને ગામડા વરચે તાલમેળ બેસાડવાની સજજતા કેળવવી જરૂરી છે. ગઈકાલ, આજ અને આવતીકાલ વચ્ચેનો ગેપ પુરો કરવા માટે સ્ત્રીએ જ તૈયાર થવું પડશે. સ્ત્રીએ પોતાની મૂળભૂત ઓળખ ન ગુમાવતા, પોતે પુરુષ સમોવડી નહી, પણ પોતાનામાં પણ અનેકગણી આવડત છે, કુશળતા છે.પોતે પણ અનેક રીતે આગળ છે એ તેણે સાબિત કરી બતાવવાનું છે. સ્ત્રીએ પોતાની સ્ત્રી તરીકેની ઓળખ તો ભી કરવાની જ છે, ઉપરાંત એક માનવી તરીકેની ઓળખ ભી કરીને સમાન હકો માટે ઝઝૂમવાનું છે. જે દિવસે સ્ત્રી જાગૃતિ આવશે તે દિવસે સ્ત્રી પરિવર્તનની દિશામાં ડગલાં માંડશે અને ત્યારબાદ જ અનુક્રમે ઘર, સમાજ અને દેશ પરિવર્તનની દિશામાં આગળ વધશે. આમ, શરૂઆત સ્ત્રીએ જ કરવાની છે.