શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સમીરાત્મજ મિશ્રા , શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:00 IST)

અયોધ્યામાં મુસ્લિમ પક્ષ પાંચ એકર જમીન લેવાનો ઇન્કાર કરી શકે છે?

અયોધ્યાના વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુન્ની વકફ બોર્ડને મળનારી પાંચ એકર જમીન અંગેની ચર્ચાઓ ઘણી ગરમી પકડી રહી છે. એક તરફ સુન્ની વકફ બોર્ડ પર આ જમીન ન સ્વીકારવા માટે દબાણ વધી રહ્યું છે બીજી તરફ એ પણ ચર્ચા છે કે આ જમીન મળશે ક્યાં?
 
આ મુદ્દે મુસ્લિમ સમુદાયોમાં એક-બીજા વચ્ચે અસહમતીનો સૂર પણ સાંભળવા મળી રહ્યો છે.
 
સુન્ની વકફ બોર્ડે આ ચુકાદો સંભળ્યા બાદ તેને સ્વીકાર કરીને આગળ નહીં પડકારવાની જાહેરાત કરી, જેને ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ પણ સમર્થન આપ્યું. જ્યારે 'ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ' સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહ્યું છે.
 
 
કોર્ટના પ્રસ્તાવ પર વિચાર
 
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ આગામી 17 નવેમ્બરે લખનૌમાં એક બેઠક યોજવા જઈ રહ્યું છે જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે કે આગળ આ ચુકાદાને પડકારવો છે કે કેમ?
 
બોર્ડના સભ્ય અને વકીલ ઝફરયાબ ઝિલાની કહે છે, "અમારું એ જ કહેવુ છે કે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટ પાસે અલગ જગ્યાની માગણી કરી જ નહોતી. અમે તો વિવાદીત સ્થળ પર મસ્જિદની જમીન પરત માગી રહ્યા હતા. જો અમે લોકોએ પુનર્વિચારણા માટે અરજી દાખલ કરી તો તેમાં આ મુદ્દો પણ સામેલ કરાશે."
 
આ દરમિયાન મુસ્લિમ સમુદાયમાં એ વાતની પણ ચર્ચા છે કે સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરવો જોઈએ કે નહીં. આ ચર્ચાની શરૂઆત એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કરી, જેનું ઘણા લોકો સમર્થન કરી રહ્યા છે.
 
ઓવૈસીએ સ્પષ્ટ રીતે 'ભીખ' ગણાવતાં કહ્યું, "ભારતના મુસ્લિમો એટલા સક્ષમ છે કે તેઓ જમીન ખરીદીને મસ્જિદ બનાવી શકે છે. મારું માનવું છે કે સુન્ની વકફ બોર્ડે આ પ્રસ્તાવનો ઇનકાર કરી દેવો જોઈએ."
 
જ્યારે સુન્ની વકફ બોર્ડના ચૅરમૅન ઝફર ફારુકી ઓવૈસીની વાતને મહત્ત્વ આપતા નથી પરંતુ કહે છે કે તેનો નિર્ણય વકફ બોર્ડની બેઠક બાદ લેવામાં આવશે.
 
બીબીસી સાથે વાતચીતમાં ફારુકીએ કહ્યું, "અમે બહુ જલ્દી બોર્ડની બેઠક બોલાવી રહ્યા છીએ અને તેમાં નક્કી કરીશું કે સુપ્રીમ કોર્ટનો આ પ્રસ્તાવ સ્વીકારવો કે ન સ્વીકારવો. જો બોર્ડ એ જમીન સ્વીકારે તો તેના પછી જ નક્કી થશે કે એ પાંચ એકર જમીન પર મસ્જિદ બનશે કે બીજું કંઈ."
 
"જમીન ક્યાં આપવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારે નક્કી કરવાનું છે. આ અંગે અમે કોઈ સ્થળે જમીન આપવા માટે માગણી કરીશું નહીં પરંતુ સરકાર ઇચ્છે તો સંપાદિત સ્થળ પર જ આ જમીન આપી શકે છે."
 
જમીન ક્યાં મળશે?
 
જોકે મુસ્લિમ સમુદાયમાં એ વાતની પણ ચર્ચા છે કે આ પાંચ એકર જમીન ક્યાં મળશે? કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશમા એ સ્પષ્ટતા નથી.
 
બીજી તરફ, અયોધ્યામાં મસ્જિદ બને એની સામે કેટલાંક હિંદુ સંગઠનો હજુ પણ વાંધો ઉઠાવી રહ્યાં છે.
 
એક હિંદુ સંગઠનના પદાધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "ચૌદ કોસી પરિક્રમાના વિસ્તારની બહાર જ આ પાંચ એકર જમીન આપી શકાય. જો સરકાર અયોધ્યામાં જન્મભૂમિ પાસે જ જમીન આપવાની કોશિશ કરશે તો હિંદુ સંગઠન તેની વિરુદ્ધ રસ્તા પર ઊતરી શકે છે."
 
"અધિગ્રહિત વિસ્તારમાં જમીન આપવાનો તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તેનાથી તો ભવિષ્યમાં ફરી વિવાદ થઈ શકે છે."
 
પરંતુ અયોધ્યાના કેટલાક મુસ્લિમ યુવકો સાથે વાતચીત કરતાં એવું જણાયું કે તેઓ આ નિર્ણયથી ભલે ખુશ ન હોય પરંતુ સંપાદિત વિસ્તારની અંદર જો જમીન મળે તો કદાચ તેમનું દુઃખ ઓછું શકે.
 
અયોધ્યાના જ રહેવાસી બબલુ ખાન જણાવે છે, "સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, ન્યાય નથી કર્યો. અમે તેમાં હવે કંઈ કરી પણ શકીએ નહીં. પરંતુ જો એ જ જગ્યાએ જમીન મળે તો મસ્જિદ ફરીથી બનાવી શકાય."
 
મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની પણ માગ છે કે આ જમીન એ જ 67 એકરના વિસ્તારમાં મળવી જોઇએ, જેનું કેન્દ્ર સરકારે સંપાદન કર્યું હતું.
 
 
મસ્જિદ કે કંઈ બીજું?
 
 
આ દરમિયાન એ વાત પર પણ ચર્ચા થઈ રહી છે કે શું મુસ્લિમોએ સરકાર દ્વારા મળનારી જમીન પર ફરી મસ્જિદ બાંધવી જોઇએ?
 
કેટલાક લોકોનો મત છે કે સુન્ની વકફ બોર્ડે જમીન તો લઈ લેવી જોઈએ, પરંતુ તેના પર મસ્જિદના બદલે કોઈ શૈક્ષણિક સંસ્થા કે હૉસ્પિટલ બનવી જોઈએ, જેનો લાભ દરેકને મળી શકે.
 
મુસ્લિમ ધર્મગુરુ અશરફ ઉસ્માની કહે છે, "ઇસ્લામમાં કહેવાયું છે કે એક વખત કોઈ જમીન પર મસ્જિદ બની ગઈ તો કયામત સુધી મસ્જિદ જ રહેશે, ભલે તેના પર ગમે તે ઇમારત બને. તેથી જ અમે લોકો અડગ રહ્યા હતા. હવે ત્યાં મસ્જિદ રહી જ નથી તો પછી ત્યાં જે બને તે, તેનાથી અમને કોઈ ફેર પડતો નથી."
 
કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ ક્યાંક જમીન આપી શકે છે.
 
પંચકોસી કે ચૌદકોસી સીમાની અંદર જમીન આપવાનો કેટલાંક હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમાં સરકારને કદાચ કોઈ તકલીફ નહીં હોય કારણ કે હવે અયોધ્યાનો વિસ્તાર પણ ઘણો વધી ગયો છે.
 
પહેલાં અયોધ્યા માત્ર એક કસબો હતું પણ હવે તે ફૈઝાબાદ જિલ્લાનું નામ જ અયોધ્યા થઈ ગયું છે.