ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (16:34 IST)

જેરૂસલેમ સંઘર્ષ : ઇઝરાયલના તેલ અવીવ પાસે મિસાઇલ હુમલા બાદ ઇમર્જન્સી લદાઈ, અનેક કારોને આગચંપી

પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓનું કહેવું છે કે ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં ગાઝા પટ્ટીનું ટાવર તૂટી પડ્યા બાદ જવાબમાં તેમણે 130 મિસાઇલ ઇઝરાયલના શહેર તેલ અવીવ તરફ છોડી હતી.
 
જે બાદ ઇઝરાયલના તેલ અવીવની પાસેના હિંસાગ્રસ્ત શહેરોમાં ઇમર્જન્સી લાદી દેવાઈ છે.
 
તેલ અવીવ પાસેનું લોડ શહેર તેમાંથી જ એક છે, અહીં અનેક કારોને આગ ચાપી દેવામાં આવી છે અને 12 લોકો ઈજાગ્રસ્ત છે. મેયરનું કહેવું છે કે શહેરમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
 
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેઓ ગાઝાના ઉગ્રવાદીઓને રૉકેટ હુમલો કરવા બદલ નિશાન બનાવી રહ્યા છે.
 
આ હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે, જેને છેલ્લાં થોડાં વર્ષોની સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.
 
આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
 
ઉગ્રવાદીઓ જેરૂસલેમ અને અન્ય વિસ્તારો તરફ સેંકડો રૉકેટ છોડી ચૂક્યા છે.
 
ઇઝરાયલના વિસ્તારોમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઓછામાં ઓછા 28 પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં માર્યા ગયા છે.
 
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ કહ્યું હતું કે આટલાં વર્ષોમાં પહેલી વખત મુખ્ય ઉગ્રવાદી જૂથ હમાસે જેરૂસલેમ તરફ રૉકેટ છોડીને 'લાલ સીમા ઓળંગી' છે.
 
સામે તરફે હમાસનું કહેવું છે કે સોમવારે જેરૂસલેમમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અત-અક્સા મસ્જિદને ઇઝરાયલીઓથી બચાવવા માટે અમે આવું કર્યું છે, આ મસ્જિદ મુસ્લિમ અને યહૂદીઓ માટે પવિત્ર સ્થળ છે.
 
છેલ્લા થોડા દિવસથી જેરૂસલેમમાં જે પ્રકારની હિંસા થઈ છે, એવી સ્થિતિ વર્ષ 2017 બાદ કદાચ પહેલી વખત સર્જાઈ છે.
 
હિંસા શરૂ કેમ થઈ?
 
પૂર્વ જેરૂસલેમના પવિત્ર મનાતા હિલટોપ પરિસરમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ શરૂ થઈ છે.
 
આ સ્થળ મુસ્લિમ અને યહૂદીઓ, એમ બંને માટે પવિત્ર છે. હમાસની માગ છે કે ઇઝરાયલ ત્યાંથી પોલીસ હઠાવી લે.