રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (17:20 IST)

નાગરિક સંશોધન કાયદના વિરોધમાં હિંસા : શાહઆલમમાં ગુરુવારની રાત્રે શું થયું હતું?

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશના વિવિધ વિસ્તારોમાં સતત પ્રદર્શનો થઈ રહ્યાં છે. વિવિધ સંગઠનો દ્વારા ગુરુવારે અપાયેલા બંધ દરમિયાન અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના ઘટી.
વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો, જેને પગલે પોલીસને અશ્રૃગૅસના ઉપયોગ કરવાની ફરજ પણ પડી.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે અને બાદમાં પોલીસને લાઠીચાર્જ કરવાની અશ્રૃગ્રૅસ છોડવાની ફરજ પડે છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, આ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 12 પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જે પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમાં ડીસીપી અને એસીપી અને એક પોલીસ ઇન્સ્પેક્ટર રૅન્કના અધિકારી પણ સામેલ છે.
 
અખાબરના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા 30 પ્રદર્શનકારીઓની અટકાયત કરાતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસવાહનો ઘેરી લીધાં હતાં અને એ બાદ ઘર્ષણની શરૂઆત થઈ હતી.
શાહઆલમના સ્થાનિક શકીલ કુરેશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:
'દિવસ દરમિયાન અમે શાંતિથી વિરોધ કરતા હતા. લગભગ 5.30-6 વાગે અમે લોકો દરગાહમાં ભેગા થયા હતા.'
'અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે અમને આગળ વધવા ન દીધા. અમારા આગેવાનને પોલીસ પકડીને લઈ ગઈ. પોલીસે અમારા પર લાઠી ચાર્જ કર્યો.'
'લાઠીચાર્જ થયો અને અનેક લોકો ઘાયલ થયા. આ ધર્મને નામે નથી, આ કાયદાની વાત છે. અહીં પહેલાંથી શાંતિપૂર્ણ વિરોધની માહિતી હતી.'
'અમે એક જગ્યા નક્કી કરી હતી, જ્યારે અમે ભેગા થયાં ત્યારે અમારા નેતા સની બાબાને પકડી લેવામાં આવ્યા. અમે તેનો વિરોધ કર્યો અને પછી પોલીસે લાઠી ચાર્જ કર્યો.'
સરકાર શું કહે છે?
આ ઘટના બાદ લોકોને પોતાના બચાવમાં ઘર્ષણમાં ઊતરવું પડ્યું હોવાનું કુરેશી જણાવે છે.
આ ઘટનાને પગલે શાહઆલમથી ચંડોળા તરફ જનારી એએમટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પત્રકારોને જણાવ્યું:
"દોષિતોની ઓળખ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે."
"શાહઆલમ વિસ્તારમાં થયેલા પથ્થરમારા સિવાય શહેરમાં કોઈ અણછાજતી ઘટના ઘટી નથી. અમે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે."
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, "ગુજરાત પોતાની શાંતિ માટે જાણિતું છે."
"નાગરિકોને શાંતિ જાળવી રાખવા અને અસામાજિક તત્ત્વોની ઉશ્કેરણીમાં ન આવવા માટે અપીલ કરે છે."
"નાગરિક સંશોધન કાયદો એ રાષ્ટ્રના હિતમાં છે અને ગુજરાતના નાગરિકોને ડરવાની જરૂર નથી."