ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2019 (14:33 IST)

કોણ છે પાસનાં પૂર્વ નેતા અને ગુજરાતમાં કૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબહેન પટેલ?

કૉંગ્રેસે સમગ્ર રાજ્યમાં એકમાત્ર મહિલા ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી ગીતાબહેન પટેલને ટિકિટ આપી છે. ગીતાબહેન પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં. ગીતાબહેન માને છે કે તેમને ટિકિટ અપાવવામાં હાર્દિક પટેલની ભૂમિકા રહી. ભાજપે પણ અમદાવાદ પૂર્વ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે.  ગીતાબહેન સાથે બીબીસી ગુજરાતીએ ચૂંટણી સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
 
કૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર
 
સરકાર પર પ્રહાર કરતાં ગીતાબહેને કહ્યું, "ગત લોકસભા ચૂંટણી કે વિધાનસભા ચૂંટણી સમયે આપેલાં વચનો સરકારે પૂરાં નથી કર્યાં." 
 
"મારે મહિલાઓની સેવા કરવી છે. મહિલાઓ માટે નાનાં-નાનાં ઉદ્યોગગૃહો અને સીવણક્લાસ શરૂ કરવા છે. મારે મહિલાઓને પગભર બનાવવી છે."
 
ગીતાબહેને એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે 'હું પાટીદાર છું તેમ છતાં ચૂંટણીમાં મને અન્ય સમાજ પણ સાથ આપશે.'
 
પટેલ વર્ષ 2015માં અમદાવાદના વસ્ત્રાલમાંથી કૉંગ્રેસ તરફથી કૉર્પોરેટરની ચૂંટણી લડ્યાં હતાં, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વ મુદ્દે ગીતાબહેને કહ્યું, "સોનિયા ગાંધી પણ કૉંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યાં છે. કૉંગ્રેસ પાર્ટીએ હંમેશાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે." ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે ગુજરાતની 26 બેઠકોમાંથી એકમાત્ર આ બેઠક ઉપર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
પ્રદૂષણની સમસ્યા
 
ગીતાબહેન કહે છે, "હું આ જ વિસ્તારમાં મોટી થઈ છું. અહીંના લોકો અને અહીંની સમસ્યાથી પરિચિત છું. અહીં જીઆઈડીસી છે, પણ લોકોને જોઈએ એટલી રોજગારી મળી નથી."
 
"કંપનીઓમાંથી પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે અને લોકોનું આરોગ્ય પણ જોખમાય છે."
 
"હું મારા વિસ્તારના આવા અનેક પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરીશ."
 
ગીતાબહેને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'તેઓ ધ્રાંગધ્રાની બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા.'
 
ગીતાબહેન પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે મારામાં ક્ષમતા જોઈને મને ટિકિટ આપી હશે.
 
ગીતાબહેને પાટીદાર અનામત આંદોલન વખતે ઘરે ઘરે ફરીને ચળવળમાં લોકોને સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી,આ દરમિયાન તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ટિકિટ મળવા પાછળ હાર્દિક પટેલનો મોટો ફાળો હોવાનું સ્વીકારતાં તેઓ કહે છે કે 'હાર્દિક ઇચ્છે છે કે તેની સાથે આંદોલનમાં રહેલા લોકો પણ લડે, આથી તેણે મારી ભલામણ જરૂર કરી હશે.'
ભાજપના ઉમેદવાર અંગે ગીતાબહેને કહ્યું કે 'આંદોલન વખતે કોણ સમાજની સાથે હતું એ લોકોએ વિચારવું જોઈએ. એમને પૂર્વ વિસ્તારની ખબર પણ નહીં હોય.'
 
ભાજપે આ બેઠક ઉપરથી પાટીદાર ઉમેદવાર હસમુખ પટેલને ઉતાર્યા છે, જેઓ ધારાસભ્ય પણ છે. પોરબંદરની બેઠક ઉપરથી પાસના લલિત વસોયાને કૉંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે. અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ પણ જામનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ કાયદાકીય અડચણને કારણે તે શક્ય બન્યું ન હતું.
 
પાટીદાર આંદોલનના નામે રાજકીય રોટલા શેકી લીધા છે, એવા આરોપના જવાબમાં ગીતાબહેન જણાવે છે કે 'અત્યાર સુધી એક પણ શહીદોના પરિવારમાંથી કોઈ કશું બોલ્યું નથી. અમે તેમને મદદ કરી રહ્યા છીએ અને હજુ પણ લડી રહ્યા છીએ.'